વિજય માલ્યાએ મિલકતોની સંપૂર્ણ વિગતો ભારતીય બેન્કોને આપવી પડશેઃ યુકે કોર્ટ

Wednesday 24th July 2019 02:42 EDT
 
 

લંડનઃ લિકર કિંગ અને ભારતીય બેન્કો પાસેથી ૯૦૦૦ કરોડની લોન્સ લઈ યુકે નાસી ગયેલા વિજય માલ્યાની મિલકતોની સંપૂર્ણ વિગતો માગતી ભારતીય બેન્કોની અરજી યુકેની હાઈ કોર્ટે માન્ય રાખી છે. માલ્યાની મિલકતોમાં ફોર્સ ઈન્ડિયા એને ઈન્ડિયન એમ્પ્રેસ સુપરયોટ્સ, સાઉથ આફ્રિકામાં ગેમ રીઝર્વ્સ, જાહેર નહિ કરાયેલી સંખ્યામાં હાઈ વેલ્યુ અને વિન્ટેજ કાર્સ, યુકેમાં મિલકતો, મૂલ્યવાન પેઈન્ટિંગ્સ તેમજ અગાઉ એલ્ટન જ્હોનની માલિકીનો પિયાનો સહિતનો સમાવેશ થાય છે, જેના પર ભારતીય બેન્કોએ દાવો કર્યો છે.

હાઈ કોર્ટના કોમર્શિયલ કોર્ટ ડિવિઝનમાં સુનાવણી કરી રહેલા જસ્ટિસ રોબિન નોલ્સે ચુકાદામાં જણાવ્યું હતું કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠળ ભારતીય બેન્કોના કોન્સોર્ટિયમને માલ્યાની હોવાનું મનાતી મિલકતોની સાચી માલિકી સ્થાપિત કરવા દસ્તાવેજો મેળવવાનો અધિકાર છે. ચુકાદાના અમલ તેમજ વૈશ્વિક ફ્રીઝિંગ ઓર્ડર, બંને હેતુ માટે ડો. માલ્યાની મિલકતો કઈ છે તેના વિશે જાણકારી જરૂરી હોવાનું જજે જણાવ્યું હતું.

બેન્કોના કોન્સોર્ટિયમે પૂર્વ કિંગફિશર એરલાઈન્સના ૬૩ વર્ષીય માલિક માલ્યા પાસેથી તેમના લેણાં ૧.૧૪૫ બિલિયન પાઉન્ડના વૈશ્વિક ફ્રીઝિંગ ઓર્ડરમાંથી કેટલીક રકમો પરત મેળવવા તજવીજ હાથ ધરી છે. સોમવાર, ૨૨ જુલાઈની સુનાવણીમાં માલ્યાના પિતા વિઠ્ઠલ માલ્યા પાછળ ઉભા કરાયેલા VMDS ટ્રસ્ટમાં સાચી માલિકીનું માળખું સ્થાપિત કરી શકે તેવા દસ્તાવેજો જાહેર કરવાની માગણી બેન્કોએ કરી હતી. જોકે, માલ્યાએ જણાવ્યું હતું કે તેમાં તેનું કોઈ લાભહિત નથી. માલ્યાના કહેવા અનુસાર આ બધી મિલકતો તેના પરિવારના સભ્યો અથવા VMDS ટ્રસ્ટની માલિકીની છે.

માલ્યાને આ વર્ષે ભારત લાવી નહિ શકાય

બ્રિટન ભાગી ગયેલા વિજય માલ્યાને આ વર્ષે ભારત લાવવાનું મુશ્કેલ બનશે. માલ્યાએ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટના ચુકાદા સામે બ્રિટનની હાઇ કોર્ટમાં જે અરજી કરી છે તેની સુનાવણી હવે ૨૦૨૦ના ફેબ્રુઆરી મહિનામાં થવાની હોવાથી માલ્યાને આ વર્ષે ભારત પરત લાવવો અશક્ય છે.

અગાઉ લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે વિજય માલ્યાના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી દીધી હતી, જોકે માલ્યાએ વેસ્ટમિન્સ્ટર કોર્ટના આદેશને બાદમાં હાઇ કોર્ટમાં પડકાર્યો છે. વિજય માલ્યાએ વેસ્ટમિન્સ્ટર કોર્ટના ચુકાદાને પડકારવા લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં મંજૂરી માગી હતી. આ મંજૂરી મળ્યા પછી માલ્યાએ હાઇ કોર્ટમાં અપીલ કરી છે. જો માલ્યાને અપીલની મંજૂરી ન અપાઈ હોત તો આ વર્ષે જ માલ્યાને ભારત લાવવાની પુરી શક્યતા હતી હોમ સેક્રેટરી સાજિદ જાવિદે માલ્યાને ભારત મોકલવાના આદેશ પર સહી પણ કરી લીધી હતી. આ પરિસ્થિતિ વચ્ચે ભારતે દાવો કર્યો છે કે વિજય માલ્યા સંબંધે તમામ પ્રક્રિયા પૂર્ણ કરાશે અને કોઇ પણ સંજોગોમાં માલ્યાને ભારત પરત લાવવામાં આવશે. બીજી તરફ, માલ્યાએ બેંકોની મુળ રકમ પરત કરવાની તૈયારી દર્શાવતા તેનું વ્યાજ નહિ ચુકવી શકે તેમ જણાવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter