વિજય માલ્યાને વધુ એક કાનૂની ઝાટકોઃ હાઈ કોર્ટના ચુકાદાને પડકારી નહિ શકે

Wednesday 01st August 2018 02:35 EDT
 
 

લંડનઃ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને વધુ એક આંચકો લાગ્યો હતો. બ્રિટનની હાઇકોર્ટ દ્વારા ૧૩ ભારતીય બેંકોને માલ્યા પાસેથી ૧.૧૪ અબજ પાઉન્ડ વસૂલ કરવા આપેલી મંજૂરીના ચુકાદાને પડકારવાની પરવાનગી આપવાનો કોર્ટ ઓફ અપીલે ઇનકાર કર્યો હતો. બ્રિટનની કોર્ટ ઓફ અપીલે ૬૨ વર્ષીય વિજય માલ્યાને ગઈ ૮ મેના રોજ હાઇકોર્ટે આપેલા આદેશ સામે અપીલ કરવાની મંજૂરી આપી નથી.

ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપો બદલ માલ્યા પ્રત્યાર્પણ માટેની સુનાવણીનો સામનો કરી રહ્યાં છે. પોતાના ચુકાદામાં જજ એન્ડ્રૂ હેન્શોએ માલ્યાની સંપત્તિ જપ્ત કરવાના આદેશ પર રોક લગાવવા અને અપીલ કરવાનો અધિકાર આપવાનો ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટના આદેશ પછી ભારતીય બેંકો ભારતીય સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા, કોર્પોરેશન બેંક, ફેડરલ બેંક, આઇડીબીઆઇ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, જમ્મુ-કાશ્મીર બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, યુકો બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા તથા જેએમ ફાઇનાન્સિયલ એસેટ રિકન્સટ્રકશન કંપનીને ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પણ માલ્યાની સંપત્તિ પર ભારતીય કોર્ટના ચુકાદાને લાગુ કરવાનો અધિકાર હશે. બ્રિટનના કાયદાકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બ્રિટનની કોર્ટ ઓફ અપીલના આ ચુકાદા પછી હવે માલ્યા કોઇ પણ કોર્ટમાં અપીલ કરી શકશે નહી.

ભારત-બ્રિટન સંધિ મુજબ આગળ વધતી પ્રત્યાર્પણ પ્રક્રિયા

ભારત-બ્રિટન વચ્ચે થયેલી સંધિ મુજબ માલ્યાના પ્રત્યાર્પણની પ્રક્રિયા આગળ વધી રહી હોવાનું વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન વી કે સિંહે રાજ્યસભામાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ભારતના વિદેશ મંત્રાલયે ૯ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ નવી દિલ્હીમાં આવેલા બ્રિટનના હાઇકમિશનને માલ્યાના પ્રત્યાર્પણ માટેની અરજી સુપ્રત કરી હતી. હાલ આ અંગેની સુનાવણી લંડનની વેસ્ટમિન્સટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહી છે.

ફોર્સ ઈન્ડિયા એફ-૧નો વહીવટ લંડન કોર્ટ હસ્તક

લંડનની કોર્ટે વિજય માલ્યાની ફોર્સ ઈન્ડિયા એફ-૧નો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો છે તેમ ડેપ્યુટી પ્રિન્સિપાલ બોબ ફેરનલેએ જણાવ્યું છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું ફોર્સ ઈન્ડિયા એ-૧ માટે લંડનની કોર્ટે વહીવટકર્તાની નિમણુક કરી છે. અગાઉ, ટીમના ચીફ ઓપરેટિંગ ઓફિસર ઓટમાર સ્ઝાફનોરે જણાવ્યું હતું કે ટીમ માટે વહીવટકર્તાની નિમણુક કરવામાં આવે તેવી શક્યતા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter