વિજય માલ્યાને હાજર કરો ત્યારે જ સુનાવણીઃ સુપ્રીમ

Friday 14th July 2017 07:27 EDT
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ૧૩મી જુલાઈએ ફરમાન કર્યું છે કે અદાલતના અપમાનના કેસમાં કેન્દ્ર સરકાર પહેલાં વિજય માલ્યાને હાજર કરે પછી કેસની સુનાવણી થશે. કેન્દ્રએ કહ્યું છે કે, માલ્યાના પ્રત્યાર્પણ અંગે બ્રિટનમાં ચોથી ડિસેમ્બરે સુનાવણી થશે. ડિસેમ્બર પછી તેને અહીં લાવવામાં આવશે તેવો અમને વિશ્વાસ છે.

ભારતમાં યાદ કરવા જેવું કંઈ નહીંઃ માલ્યા

ઇંગ્લેન્ડમાં ફોર્મ્યુલા વન ટીમના માલિક વિજય માલ્યાને મીડિયા દ્વારા તાજેતરમાં બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સમાં સવાલ કરાયો કે, તમે ભારતને યાદ કરો છો? તો માલ્યાએ કહ્યું કે, મારા બધા પરિવારજનો ઇંગ્લેન્ડ કે યુએસમાં રહે છે. ભારતમાં કોઈ નથી. મારા તમામ સાવકા ભાઈ-બહેન યુકેનું નાગરિકત્વ ધરાવે છે. તેથી ભારતમાં મિસ કરવા જેવું કંઈ નથી.

બ્રિટનમાં ઈવેન્ટ્સમાં લહેરથી ફરતો માલ્યા

ભારતમાંથી ભાગીને માલ્યા બ્રિટનમાં લહેરથી જીવી રહ્યો છે. અહીંયા તે ઘણા પ્રોગ્રામ અને ઈવેન્ટ્સમાં મોજ મસ્તી કરતો દેખાય છે. રોયલ એસ્કોટ હોર્સ રેસિંગ, વિમ્બલડન ટેનિસ ચેમ્પિયનશિપ્સમાં તે હાજર રહ્યો હતો. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મેચ વખતે તે ત્યાં હતો. લંડનમાં ફોર્મુલા વનની પ્રમોશનલ ઈવેન્ટમાં પણ તે હતો.

જી-૨૦માં માલ્યાના પ્રત્યાર્પણ અંગે મોદીની થેરેસા સાથે ચર્ચા

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૨૦ સમિટ દરમિયાન બ્રિટિશ પ્રમુખ થેરેસા મે સાથે ચર્ચા કરીને ભારતના ભાગેડુ અને આર્થિક ગુનેગાર માલ્યાની વિરુદ્ધ કાર્યવાહીમાં મદદ કરવાનો આગ્રહ કર્યો હતો.

ભારતીય જેલોની હાલત ખરાબ છેઃ માલ્યાના વકીલો

ઉલ્લેખનીય છે કે પહેલા આ કેસ અંગેની દલીલો વચ્ચે માલ્યાના વકીલોએ બ્રિટિશ કોર્ટમાં ભારતીય જેલોની ખરાબ સ્થિતિની વાત કહી હતી. તેવામાં મનાઇ રહ્યું છે કે માલ્યાને સમજાઇ ગયું છે કે તેના ભારત પ્રત્યાર્પણ સંબંધિત કેસમાં ચુકાદો તેની વિરુદ્ધ આવશે. ભારત સરકારને પણ લાગી રહ્યું છે કે માલ્યા જેલની ખરાબ સ્થિતિનો મુદ્દો આગળ પણ ઉઠાવી શકે છે. તેવામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સચિવે ૨૩મી જૂને મહારાષ્ટ્રના ગૃહ સચિવને પત્ર લખીને રાજ્યની જેલોની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી