લંડનઃ પ્રિન્સ હેરી ફરી એકવાર ચર્ચાનો વિષય બની રહ્યા છે. પરંતુ આ વખતે રાજવી પરિવાર સાથેના વિવાદોના કારણે નહીં. હાર્પર્સ બાઝાર દ્વારા પ્રિન્સ હેરીને વિશ્વના ઓલ ટાઇમ હોટેસ્ટ મેનની યાદીમાં સામેલ કરાયા છે. પ્રિન્સ હેરીએ આ મામલામાં ડેવિડ બેકહામ, રાયન રેનોલ્ડ્સ અને ચેન્નિંગ ટેટમને પણ પાછળ છોડી દીધાં છે. પ્રિન્સ હેરીએ પૂરવાર કરી દીધું છે કે તેઓ હજુ તેમનું આકર્ષણ, આત્મવિશ્વાસ અને કરિશ્મા ગુમાવી ચૂક્યાં નથી.
વિશ્વના 50 ઓલ ટાઇમ હોટેસ્ટ મેનની યાદીમાં પ્રિન્સ હેરીને 25મુ સ્થાન પ્રાપ્ત થયું છે. જેમ્સ ડીન, માર્લોન બ્રાન્ડો અને કેરી ગ્રાન્ટ આ યાદીમાં ટોચના સ્થાને રહ્યાં છે. હાર્પર્સ બાઝારે જણાવ્યું હતું કે, હાલમાં મેઘન મર્કેલ સાથે લગ્ન જીવન માણતા પ્રિન્સ હેરી એક સમયે વિશ્વમાં સૌથી વધુ માગ ધરાવતા અપરણિત પુરુષ હતા.
યાદીમાં 32મા સ્થાને બ્રેડલી કૂપર, 29મા સ્થાને રાયન ગોસલિંગ, 31મા સ્થાને રાયન રેનોલ્ડ્સ, 33મા સ્થાને ચેન્નિંગ ટેટમ અને ડ્રેક 35મા સ્થાને રહ્યા હતા. ડેવિડ બેકહામને 39મું સ્થાન પ્રાપ્ત થયું હતું.