લંડન
બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર હોલ ખાતે મહારાણીના પાર્થિવ દેહને લઇ જવા ઉપયોગમાં લેવાયેલ જ્યોર્જ ગન કેરેજ બ્રિટનના રાજવી પરિવારની શબયાત્રાઓનું સાક્ષી છે. 19 સપ્ટેમ્બરના સોમવારના રોજ ક્વીનના કોફિનને વેસ્ટમિન્સ્ટર એબે ખાતે લઇ જવા માટે આજ કેરેજનો ઉપયોગ કરાયો હતો. રોયલ નેવી દ્વારા છેક 1901થી આ ગનકેરેજની સારસંભાળ લેવામાં આવે છે. ફેબ્રુઆરી 1901માં મહારાણી વિક્ટોરિયાની અંતિમ વિધિમાં પણ આજ ગનકેરેજનો ઉપયોગ કરાયો હતો. ફેબ્રુઆરી 1952માં મહારાણીના એલિઝાબેથ બીજાના પિતા કિંગ જ્યોર્જ છઠ્ઠાના કોફિનને સેન્ડરિંગહામ ચર્ચછી લોસફર્ટોન સ્ટેશન ખાતે લઇ જવા માટે પણ આજ કેરેજનો ઉપયોગ કરાયો હતો. 2002માં ક્વીન મધરના ફ્યુનરલમાં પણ આજ કેરેજ વપરાયું હતું. કિંગ એડવર્ડ છઠ્ઠા અને કિંગ એડવર્ડ સાતમાની શબયાત્રામાં પણ આ જ કેરેજનો ઉપયોગ કરાયો હતો. 1965માં ક્વીન એલિઝાબેથ બીજાના પહેલા વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલની અંતિમ યાત્રામાં પણ કોફિન લઇ જવા માટે આજ ગન કેરેજ ઉપયોગમાં લેવાયું હતું. લોર્ડ માઉન્ટબેટનની અંતિમ યાત્રામાં પણ તેનો ઉપયોગ થયો હતો.
જ્યોર્જ ગન કેરેજનું નિર્માણ 1896માં કરાયું પરંતુ તેને ક્યારેય નેવીની એક્ટિવ સર્વિસમાં સામેલ કરાયું નહોતું. ક્વીન વિક્ટોરિયાની શબયાત્રામાં તેના ઉપયોગ બાદ આ ગનકેરેજ રાજવી પરિવારના સભ્યોની અંતિમયાત્રામાં જ ઉપયોગમાં લેવાતું થયું હતું. 1901માં પહેલીવાર બ્રિટનના કોઇ રાજવીના કોફિનને લઇ જવા માટે ગન કેરેજનો ઉપયોગ શરૂ કરાયો હતો. કિગ્સ ટ્રુપ હોર્સ આર્ટિલરીમાં સામેલ જ્યોર્જ ગન કેરેજને ખેંચવાનું કામ રોયલ નેવીના નોન ઓફિસર સ્તરના કર્મચારીઓ અને ઘોડા દ્વારા કરાય છે. 1910માં રોયલ નેવીએ આ ગન કેરેજ શાહી પરિવારને સોંપવાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ ત્યારબાદ વિધિવત રીતે કિંગ જ્યોર્જ પાંચમાને આ ગન કેરેજની સોંપણી કરાઇ હતી. 1965માં વિન્સ્ટન ચર્ચિલની શબયાત્રા સુધીમાં બ્રિટનમાં સત્તાવાર ફ્યુનરલમાં આ ગન કેરેજનો ઉપયોગ શરૂ થઇ ગયો હતો.