સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 13th October 2021 06:13 EDT
 

                                    • ૨,૦૦૦ પોલીસકર્મીઓ પર જાતીય ગેરવર્તણુંકનો આરોપ

છેલ્લાં ચાર વર્ષમાં ૨,૦૦૦ પોલીસકર્મીઓ પર દુષ્કર્મ ગુજારવા સહિત જાતીય ગેરવર્તણુંકનો આરોપ મૂકાયો હતો. લગભગ ત્રીજા ભાગના કેસોમાં ઓફિસરો પર જાતીય હિંસા આચરવાનો અને પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. ટાઈમ્સના ઈન્વેસ્ટિગેશનમાં બહાર આવેલા આ આંકડા દર્શાવે છે કે જાતીય ગેરવર્તણુંક અને પોલીસના અન્ય ભ્રષ્ટાચારને નિયમિત રીતે ઢાંકવામાં આવે છે. આ કેસોની સુનાવણી જાહેરમાં થવી જોઈએ તેને બદલે ફોર્સ દ્વારા ખાનગી સુનાવણી કરાય છે.  

• ૩૫ વર્ષ પછી મહિલાઓને સંતાનવિહોણા રહેવાનું જોખમ

કેમ્બ્રીજ યુનિવર્સિટીની છેલ્લી સિંગલ સેક્સ કોલેજની મહિલાઓને શીખવવામાં આવે છે કે તેમને ફેમિલી જોઈતું હોય તો તેમણે ત્રીસ વર્ષના દસકાના મધ્યભાગમાં તેને માટે પ્લાનિંગ શરૂ કરવું જોઈએ નહીંતર તેઓ સંતાનવિહોણા રહેશે. મુરે એડવર્ડ્ઝ કોલેજ દ્વારા જ સાયન્ટિસ્ટ જોસેલીન બેલ બર્નેલ, બ્રોડકાસ્ટર મિશેલ હુસેન અને કોમેડિયન સૂ પર્કિન્સ સહિતની મહિલાઓની કારકિર્દી શરૂ થઈ હતી. હવે  સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ક્લાસીસ સાથે આ ટર્મમાં ફર્ટિલીટી સેમિનારનું આયોજન થશે. ઈંગ્લેન્ડ અને વેલ્શમાં ૨૦૧૧માં મહિલા દીઠ જન્મદર ૧.૯૨ બાળકોનો હતો તે ઘટીને ૧.૫૩ થયો છે. બાળકને જન્મ આપવાની સરેરાશ ઉંમર વધીને ૩૦ થઈ છે. મહિલાઓમાં ૩પ વર્ષની વય પછી પ્રજનનશક્તિ ખૂબ ઘટી જાય છે. 

      

• બ્રિટનમાં હજુ એક વીક કમોસમી હવામાન રહેશે

બ્રિટનમાં ઘણાં લોકો બીચ અને પાર્કમાં જાય છે. હવામાનવિભાગ દ્વારા જણાવાયું હતું કે બ્રિટનમાં હજુ એક વીક સુધી આ કમોસમી હવામાન રહેશે. દેશના ઘણાં ભાગોમાં ઓક્ટોબરમાં સામાન્ય કરતાં ખૂબ ઉંચુ તાપમાન નોંધાયું હતું. સૂર્યપપ્રકાશનો આનંદ લેવા માટે હજારો લોકો બીચ પર જાય છે. ઓટમનું હવામાન મિશ્ર રહ્યું હતું. અગાઉ વાવાઝોડાએ દેશને ઘમરોળ્યો હતો. લંડનમાં ભારે વરસાદ અને પૂર આવ્યા હતા.  

                                       
• ચેનલ ક્રોસ કરતા માઈગ્રન્ટ્સને કેવી રીતે રોકાય ?

બે દિવસમાં ૧,૧૦૦થી વધુ માઈગ્રન્ટ્સે ચેનલ ક્રોસ કરીને પહોંચવાનો પ્રયાસ કર્યો તે સંજોગોમાં માઈગ્રન્ટ્સ દ્વારા ચેનલ પાર કરવાની પ્રવૃત્તિને કેવી રીતે અટકાવી શકાય તે વિશે તેમની વ્યૂહનીતિ સ્પષ્ટ કરવા પ્રીતી પટેલને અનુરોધ કરાયો હતો. ગયા શનિવારે બોર્ડર ફોર્સના અધિકારીઓએ ૧૭ બોટમાં ૪૯૧ માઈગ્રન્ટ્સને પકડ્યા હતા. જ્યારે ફ્રેંચ સત્તાવાળાઓએ ૧૧૪ લોકોને આ જોખમી પ્રવાસ કરતા અટકાવ્યા હતા. આ ક્રોસિંગને અટકાવવામાં મદદ માટે યુકેએ ફ્રાન્સને ૫૪ મિલિયન પાઉન્ડની રકમ ચૂકવવાની હતી તે ચૂકવી ન હોવાથી ફ્રેંચ મિનિસ્ટરે પ્રીતિ પટેલની ટીકા કરી હતી.  

     

• ૪૧ વર્ષીય પુરુષ પર પેન્શનરની હત્યાનો આરોપ

ગયા ઓગસ્ટમાં નોર્થ લંડનના હાઈગેટથી ગૂમ થયેલી ૭૦ વર્ષીય અમીર મહિલા નોર્મા ગિરોલામીની હત્યા કરવાનો ૪૧ વર્ષીય પુરુષ સર્કન કાયગુસુઝ પર આરોપ મૂકાયો હતો. નજીકમાં આવેલા ઈસલિંગ્ટનમાં રહેતા સર્કન પર હત્યા અને ચોરીના બે કાઉન્ટ મૂકાયા છે. નામ ન આપવાની શરતે તેના પડોશીએ જણાવ્યું હતું કે સર્કન ખૂબ સારો માણસ છે. તે ટેમ્પરરી જોબ કરતો હતો. ડિસ્ટ્રિક્ટ જજ ડેનિયલ સ્ટર્નબર્ગે તેને કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલ્યો હતો. આ કેસમાં પ્લી અને ટ્રાયલ પ્રિપરેશન હિયરિંગ ૨જી નવેમ્બરે થશે. 

  

• પેરેન્ટ બનવાથી પ્રમોશન અટકતું હોવાની માન્યતા

પાંચમાંથી બે વર્કિંગ માતા માને છે કે પેરેન્ટ બનવાથી તેમની જોબમાં પ્રમોશન અટકી જાય છે. ચેરિટી વર્કિંગ ફેમિલિઝના અભ્યાસમાં૩૩ ટકા માતાઓએ જણાવ્યું કે સંસ્થામાં વધુ કલાકો સુધી કામ કરતાં લોકો પ્રત્યે સિનિયર મેનેજરોને માન હોય છે. નાના બાળકો ધરાવતા ૭૫૫ પેરેન્ટ્સના અભ્યાસમાં જણાયું હતું કે લગભગ અડધા લોકો માનતા હતા કે કામકાજ અને જીવન વચ્ચે સંતુલન હાંસલ કરવામાં તેમના સિનિયરો તેમના માટે સકારાત્મક રોલ મોડેલ નથી. તેમણે જણાવ્યું કે કામકાજ અને જીવન વચ્ચે સંતુલન ટોચની પ્રાથમિકતા છે અને બીજી જોબની પસંદગીમાં તેને વધુ મહત્ત્વ આપશે.    

• પ્રિમિયમ બોન્ડમાં હિસ્સો જીતવા ૩,૫૦૦ વર્ષ રાહ જોવી પડશે

પ્રિમિયમ બોન્ડમાં ૧.૦૦૦ પાઉન્ડની બચત કરનારી વ્યક્તિએ ૫૦ – ૫૦ ટકા તક સાથે વિનિંગ પ્રાઈઝ તરીકે તેનો આ હિસ્સો જીતવા માટે ૩,૫૦૦ વર્ષ રાહ જોવી પડશે. પ્રિમિયમ બોન્ડ્ઝ બચતકારોને વ્યાજ ચૂકવવાને બદલે માસિક ઈનામો આપે છે. તેની પાસે બચતકારોના લગભગ ૧૧૧ બિલિયન પાઉન્ડ છે. ડેટા કંપની AZ ફોરકાસ્ટ્સના સ્ટેટિસ્ટિશિયન એન્ડ્રયુ ઝેલીનના જણાવ્યા મુજબ પ્રિમિયમ બોન્ડમાં ૧.૦૦૦ પાઉન્ડની બચત કરનારે ૨૫ પાઉન્ડનું ખૂબ નાનું ઈનામ જીતવા ૫૦ - ૫૦ ટકાની તક સાથે બે વર્ષ, ૫૦ પાઉન્ડ માટે ૨૧૩ વર્ષ, ૫૦૦ પાઉન્ડ માટે ૧,૧૫૫ વર્ષ અને ૧,૦૦૦ પાઉન્ડ માટે ૩,૪૬૬ વર્ષ રાહ જોવી પડે. જ્યારે ૫૦ - ૫૦ ટકાની તક સાથે ૧ મિલિયન પાઉન્ડનો જેકપોટ જીતવા માટે ૩.૨ મિલિયન વર્ષ રાહ જોવી પડે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter