સંજીવ ગુપ્તાએ કોવિડ વધુ લોન્સ મેળવવા ઔદ્યોગિક સામ્રાજ્યનું વિભાજન કરી નાખ્યું

Wednesday 21st April 2021 07:16 EDT
 
 

લંડનઃ સ્ટીલ મેગ્નેટ સંજીવ ગુપ્તાએ બ્રિટિશ કરદાતાના નાણાની મહત્તમ કોવિડ લોન્સ હાથ કરવા ગયા પોતાના ઔદ્યોગિક સામ્રાજ્યના માળખાનું વિભાજન કર્યું હતું. ગુપ્તા સાથે સંકળાયેલી કંપનીઓએ ગ્રીનસિલ કેપિટલ મારફત કોરોના વાઈરસ લાર્જ બિઝનેસ ઈન્ટરપ્શન લોન સ્કીમ (CLBLS) હેઠળ લાખો પાઉન્ડની લોન્સ મેળવવા અરજી કરી હતી.

ગુપ્તાના મુખ્ય લેન્ડર ગ્રીનસિલ તકલીફમાં આવી પડતા તેમની છત્રકંપની GFG Alliance પર ભારે મુશ્કેલીમાં આવી પડી હતી. વેલ્સથી ઓસ્ટ્રેલિયા સુધી પથરાયેલી આ ફાઈનાન્સિયલ કંપની ૩૫,૦૦૦ લોકોને રોજગારી આપે છે. ગ્રીનસિલને આ સ્કીમ હેઠળ એક કંપનીને ૫૦ મિલિયન પાઉન્ડ આપવાની સત્તા હતી. જોકે, GFG કોન્સોલિડેટેડ કાનૂની કંપની નહિ પરંતુ, ગુપ્તાના પરિવાર દ્વારા અનેક બિઝનેસીસનું જોડાણ છે. ગુપ્તાએ ગયા વર્ષે પોતાના સામ્રાજ્યને વિભાજિત કરવા નવી કેટલીક કંપનીઓ સ્થાપી હતી. જેનો એકમાત્ર હેતુ ગ્રીનસિલ મારફત કરદાતાઓના ટેકાવાળી કોવિડ ઈમર્જન્સી લોન્સ મેળવવાનો હતો.

તાજેતરમાં જ ચાન્સેલર રિશિ સુનાકે સ્પષ્ટ કર્યું હતું કે  બ્રિટિશ બિઝનેસ બેન્ક લોનની શરતોનું ગ્રીનસિલ દ્વારા પાલન બાબતે તપાસ કરે છે ત્યાં સુધી ગ્રીનસિલ લોન્સ પરની સરકારી ગેરન્ટીઓ સસ્પેન્ડ કરી દેવાઈ છે. ગુપ્તા સાથે સંકળાયેલી અનેક કંપનીઓએ આ સ્કીમ હેઠળ લોન્સ મેળવી હોવાનું બહાર આવ્યા પછી ઓક્ટોબરમાં તપાસ શરુ કરી હતી.

સિંગાપોરના પબ્લિક ફાઈલિંગ્સ દર્શાવે છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૨૦માં ગુપ્તાએ  તેની બ્રિટિશ ઈન્ડસ્ટ્રિયલ અને કોમોડિટીઝ ટ્રેડિંગ બિઝનેસીસની માલિકી વિભાજિત કરવા ચાર નવી સિંગાપોર હોલ્ડિંગ કંપનીઓ - LRC One, લિબર્ટી સ્ટીલ ન્યૂપોર્ટ હોલ્ડિંગ્સ, LPH હોલ્ડિંગ્સ અને લિબર્ટી કોમોડિટીઝ હોલ્ડિંગ્સની સ્થાપના કરી હતી. વઘુ એક લોન હાંસલ કરવા પાંચમી હોલ્ડિંગ કંપની CMB રિસ્ટ્રક્ચરિંગને સપ્ટેમ્બરમાં લિબર્ટી સ્ટીલ ગ્રૂપમાંથી અલગ પાડી સીધી ગુપ્તાને હવાલે કરવામાં આવી હતી.

GFG Allianceએ ફાઈનાન્સિયલ ટાઈમ્સને જણાવ્યા અનુસાર તેની યુકેની ઘણી કંપનીઓએ લોન્સ માટે અરજી કરી હોવાં છતાં, માત્ર એક કંપનીને આ યોજના હેઠળ ૪૫.૬ મિલિયન પાઉન્ડ મળ્યા હતા. ગુપ્તાના પિતાની કાનૂની માલિકી હેઠળની કોમોડિટીઝ ટ્રેડિંગ ફર્મ સહિત ગુપ્તાના પરિવારજનો અને સાથીઓની માલિકીની કંપનીઓએ પણ આ સ્કીમ હેઠળ નાણા કરજે લીધા હતા. ગુપ્તાના બિઝનેસ એસોસિયેટ રવિ ત્રેહાનની માલિકીની AarTee કોમોડિટીઝને પણ નામા મલ્યા હોવાનું કહેવાય છે. સિંગાપોરના ફાઈલિંગ્સ મુજબ ગુપ્તાના લિબર્ટી કોમોડિટીઝ બિઝનેસમાં ત્રેહાન અગાઉ થોડો હિસ્સો ધરાવતો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter