લંડનઃ ઇંગ્લેન્ડમાં ઓ ગ્રુપના લોહીની તીવ્ર અછત સર્જાતાં એનએચએસ દ્વારા ઓ ગ્રુપ ધરાવતા દાતાઓને તાત્કાલિક રક્તદાન માટે આગળ આવવા અપીલ કરવી પડી છે. ડોક્ટર સેન્ટરો ખાતે એપોઇન્ટનેન્ટ ન મળવા અને સાયબર એટેકના કારણે સર્જાયેલી અંધાધૂંધીને કારણે સેવાઓ પર અસર થઇ હોવાનું કારણ અધિકારીઓ આપી રહ્યાં છે. ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ યુનિવર્સલ ગણાય છે અને તે તમામ પ્રકારના દર્દીઓ માટે સુરક્ષિત છે. જ્યારે દર્દીના બ્લડ ગ્રુપની જાણ ન હોય તેવા ઇમર્જન્સી સંજોગોમાં તેને ઓ નેગેટિવ લોહી ચડાવવામાં આવતું હોય છે.
અધિકારીઓએ હોસ્પિટલોને ઓ ગ્રુપનું લોહી જરૂરી કેસોમાં જ વાપરવાની ચેતવણી પણ જારી કરી છે. એનએચએસ બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટના ચીફ એક્ઝિક્યુટિવ ડો. જો ફર્રારે જણાવ્યું હતું કે, ગયા મહિને પણ આ પ્રકારની અપીલ કરવી પડી હતી અને દાતાઓ દ્વારા સારો પ્રતિભાવ મળ્યો હતો. પરંતુ હજુ ઓ નેગેટિવ બ્લડની અછત યથાવત છે. હાલ ઇંગ્લેન્ડમાં ઓ નેગેટિવ લોહીનો જથ્થો ફક્ત 1.6 દિવસ ચાલે એટલો જ છે. સામાન્ય રીતે આ જથ્થો 6 દિવસ ચાલે એટલો રાખવામાં આવે છે.
આ અછત માટે ગયા મહિને પેથોલોજી કંપની સિન્નોવિસ પર થયેલા રેન્સમવેર એટેકને જવાબદાર ગણાવવામાં આવે છે. સામાન્ય રીતે દર્દીને લોહી ચડાવતા પહેલાં હોસ્પિટલો તેમના બ્લડ ગ્રુપની ચકાસણી કરતી હોય છે પરંતુ જૂન મહિનામાં થયેલા સાયબર એટેકના કારણે સિન્નોવિસ સાથે સંકળાયેલી લંડનની સંખ્યાબંધ મોટી હોસ્પિટલો દર્દીઓના બ્લડ ગ્રુપ અંગે ઝડપથી ચકાસણી કરી શક્તી નથી. તેના કારણે ઇમર્જન્સીમાં ડોક્ટરોને ઓ ગ્રુપના લોહીનો ઉપયોગ કરવો પડે છે. તેના કારણે સમગ્ર ઇંગ્લેન્ડમાં લોહીની અછત સર્જાઇ છે.