સાદા બ્લડ ટેસ્ટથી પાર્કિન્સન્સ ડિસીઝના નિદાનમાં મદદ મળશે

Wednesday 15th February 2017 08:23 EST
 
 

લંડનઃ ન્યુરોલોજી મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર સાદા બ્લડ ટેસ્ટથી ડોક્ટરોને હવે પાર્કિન્સન‘સ ડિસીઝ અથવા કંપવાત રોગના ઝડપી અને સરળ નિદાનમાં મદદ મળશે. અત્યારે આ રોગના લક્ષણો ઓળખવા દર્દીઓએ સ્પાઈનલ ફ્લુઈડ ટેસ્ટ કરાવવો પડે છે. આ રોગની કોઈ સારવાર પ્રાપ્ય નથી અને બ્રિટનમાં ૧૨૭,૦૦૦ લોકો આ અસાધ્ય રોગથી પીડાય છે.

સ્વીડનની લુન્ડ યુનિવર્સિટીના નિષ્ણાતોએ લોહીમાં ચોક્કસ પ્રોટીનની શોધ કરી છે, જે આ રોગનું સ્પષ્ટ માર્કર છે. કંપવાત અથવા પાર્કિન્સન‘સ ડિસીઝમાં શરીરમાં ધ્રૂજારીઓ પેદા થાય છે, હલનચલન ધીમું પડે છે અને સ્નાયુઓ જકડાઈ જાય છે. આ રોગ અસાધ્ય છે અને તેને આગળ વધતો અટકાવવાનો કોઈ માર્ગ પણ નથી. જોકે, રોગના લક્ષણો દેખા દે તેના ઘણા સમય અગાઉથી જ તેના કારણે ચેતાકોષોમાં નુકસાન વધતું જાય છે. રોગ આગળ વઘતો અટકાવી ન શકાય તો પણ રક્તપરીક્ષણથી વહેલી જાણ થાય તો લક્ષણો ધીમા પાડવામાં ડોક્ટરોને મદદ મળી શકે છે.

મુખ્ય સંશોધક ડો. ઓસ્કાર હેન્સનની આગેવાનીમાં સંશોધક ટીમે બ્રિટન અને સ્વીડનમાં તંદુરસ્ત અને છ વર્ષથી પાર્કિન્સન‘સ ડિસીઝથી પીડાતા ૫૦૪ લોકોનું રક્ત પરીક્ષણ કર્યું હતું. વ્યક્તિને પાર્કિન્સન‘સ અથવા અન્ય ન્યુરોલોજિકલ રોગ છે તેના નિદાનમાં બ્લડ ટેસ્ટ વર્તમાન સ્પાઈનલ ફ્લુઈડ ટેસ્ટ જેટલો જ ચોક્કસ જણાયો હતો.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter