સાવધાન.. 70 વર્ષના થયા છો તો ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવી લેજો

આમ નહીં કરનારને ભારે દંડનો સામનો કરવો પડી શકે છેઃ ડીવીએલએની ચેતવણી

Tuesday 30th July 2024 12:54 EDT
 

લંડનઃ ડીવીએલએ દ્વારા 70 વર્ષની આયુ પર પહોંચનારા તમામને તેમના ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા અથવા તો દંડનો સામનો કરવાની તૈયારી રાખવાની ચેતવણી જારી કરી છે. પ્રવર્તમાન વ્યવસ્થા પ્રમાણે 70 વર્ષની આયુ થતાં જ ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થઇ જાય છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે ડ્રાઇવિંગ બંધ કરી દેવાનું રહેશે. આ માટે તમારે તમારા લાયસન્સને રિન્યૂ કરાવવાનું રહે છે. ત્યારબાદ દર 3 વર્ષે તમારે લાયસન્સ રિન્યૂ કરાવવાનું રહે છે.

ડીવીએલએએ જણાવ્યું છે કે 70 વર્ષની ઉંમર થતાં જ ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવું પડે છે. તે ઓનલાઇન પણ કરી શકાય છે. આ પ્રક્રિયા ઘણી સરળ, ઝડપી અને સુરક્ષિત છે. આ માટે તમારે 70 વર્ષની ઉંમરે ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેતો નથી પરંતુ તમારી તંદુરસ્તીની માહિતી સત્તાવાળાઓને આપવાની રહે છે. જો તમે કોઇ ગંભીર બીમારીથી અથવા તો વિકલાંગતાથી પીડાતા હો તો સત્તાવાળા દ્વારા તેની સમીક્ષા કરીને તમારી ડ્રાઇવિંગ કરવાની ક્ષમતા ચકાસવામાં આવે છે.

એજ કન્સર્ન નામની સંસ્થાએ જણાવ્યું હતું કે, તમારી તંદુરસ્તીની માહિતી ડીવીએલએને આપવી એક કાયદાકીય જવાબદારી છે. જો ડ્રાઇવિંગ પર અસર કરે તેવી તમારી બીમારી અંગે જાણ કરતા નથી તો તમને દંડ થઇ શકે છે. જો બીમારીના કારણે તમે કોઇ અકસ્માત કર્યો હશે તો તમને વીમા કવચ મળશે નહીં. જો તમારી પાસે ફોટોકાર્ડ લાયસન્સ હોય તો તમારે D46P ફોર્મ અને પેપર લાયસન્સ હોય તો ફોર્મ સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ આપવાનો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter