સોલાર પેનલ્સથી વીજળી પેદા કરો, વીજકંપનીઓ પાસેથી નાણા મેળવો

રિન્યૂએબલ એનર્જીનો ઉપયોગની નવી યોજનાઃ વીજકંપનીઓ ગ્રાહકો પાસેથી વીજળી ખરીદી શકશે

Wednesday 19th June 2019 03:51 EDT
 
 

લંડનઃ બ્રિટનની મોટી એનર્જી કંપનીઓએ નવા નિયમો હેઠળ પોતાના ગ્રાહકો પાસેથી રિન્યૂએબલ એનર્જી ખરીદવાની રહેશે. જે મકાનમાલિકો ૧ જાન્યુઆરી ૨૦૨૦થી છત પર નવી સોલાર પેનલ્સ લગાવી વિદ્યુત પેદા કરશે તેઓ વધારાની વિદ્યુત વીજકંપનીઓને વેચી શકશે અને આ રીતે પોતાનું વીજબિલ ઘટાડી શકશે. બ્રિટનમાં અંદાજે આઠ લાખ ઘરમાં સોલર પેનલ લાગેલી છે. જેમાંથી પ્રાપ્ત રિન્યૂએબલ એનર્જી પરિવારો માટે કમાણીનો સ્રોત બનવા સાથે જ પર્યાવરણને પણ બચાવી શકાશે.

સરકારે અગાઉ સબસિડી બંધ કરી દેવાથી નવા ઈન્સ્ટોલેશન્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આથી, બ્રિટિશ સરકાર દેશમાં રિન્યૂએબલ એનર્જીનો ઉપયોગ વધારવા નવી સ્કીન લોન્ચ કરશે. ઊર્જા વિભાગ પ્રમાણે, સરકાર આ સ્કીમને તમામ વીજ ઉત્પાદકો માટે ૧ જાન્યુઆરી ૨૦૨૦થી લાગુ કરી દેશે. આના પરિણામે, જે ઘર પાંચ મેગાવોટથી વધારે ઊર્જા પેદા કરશે તે વીજકંપનીઓને ઊર્જા વેચાણ આપી શકશે.

એનર્જી એન્ડ ક્લીન ગ્રોથ માટેના મિનિસ્ટર ક્રિસ સ્કિડમોરે જણાવ્યું હતું કે સરકાર એનર્જી બિલ્સમાં સબસિડીની કિંમતના ઉમેરા વિના લઘુસ્તરના જનરેટર્સની સંખ્યા વધારવા માગે છે તેમજ બેટરીઓ નાખવા માટે સોલર પેનલ્સ સાથેના ઘરને પ્રોત્સાહન આપવા આશાવાદી છે.

ઓક્ટોપસ સહિત બ્રિટિશ સપ્લાયર્સ તેમના ગ્રાહકો પાસેથી સોલાર પાવર ખરીદવાની ઓફર કરી રહ્યા છે. વીજ સપ્લાયર કંપની ઓક્ટોપસના સીઈઓ ગ્રેગ જેક્સને કહ્યું કે, ‘જો સોલાર પેનલ અને બેટરીવાળા ઘર અને બિઝનેસીસ વીજળી એકત્ર કરવા સાથે જરૂર જણાય ત્યારે ગ્રિડમાં આપશે તો કદાચ આગામી સમયમાં તેમણે વીજળીનું બિલ ચુકવવાની જરૂર નહિ પડે અને મોટા ભાગની વીજળી અન્ય લોકોના કામમાં આવી શકશે.’

સોલાર ટ્રેડ એસોસિયેશનના ડાયરેક્ટર લીઓની ગ્રીને જણાવ્યું હતું કે,‘ઘણા નાના ઘરમાલિકોને પણ વાજબી કિંમત ચૂકવાય તે મહત્ત્વનું છે અને અમે બજાર પર ચાંપતી નજર રાખીશું’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter