લેબર પાર્ટીની સ્ટાર્મર સરકારને સત્તામાં આવ્યે આ સપ્તાહે એક વર્ષ પુરું થઇ રહ્યું છે ત્યારે તેમની સરકારની કામગીરી મુદ્દે દેશના વિવિધ તબકાઓમાંથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યાં છે. ગયું વર્ષ સ્ટાર્મર સરકાર માટે આર્થિક મોરચે સંઘર્ષનું વર્ષ રહ્યું અને તેને લેબર પાર્ટીની ચૂંટણી ઢંઢેરામાં આપેલા ઘણા વચનોમાં યુ-ટર્ન લેવાની પણ ફરજ પડી. ઇમિગ્રેશન, ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ, બેનિફિટ્સ, એનએચએસમાં સુધારા, બેરોજગારી, ફુગાવો સહિતના મોરચે સ્ટાર્મર સરકાર ક્યાંક સફળ રહી તો ક્યાંક નિષ્ફળતામાં ઘેરાયેલી રહી. ચાન્સેલર રેચલ રીવ્ઝના નિર્ણયોએ કરદાતાઓને નારાજ પણ કર્યાં. આમ સ્ટાર્મર સરકારનું એક વર્ષ મિશ્ર રહ્યું તેમ કહી શકાય.
ભારતીય ડાયસ્પોરા અને સાઉથ એશિયન સમુદાયમાં પણ સ્ટાર્મર સરકારની એક વર્ષની કામગીરી પર કહીં ખુશી કહીં ગમ જેવી લાગણી પ્રવર્તી રહી છે. હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રમુખ તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન સ્ટાર્મર હજુ તેમના પગ સ્થિર કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમની સામે એક પછી એક નવી સમસ્યાઓ વિકરાળ બની રહી છે. એકતરફ સ્ટાર્મર સરકાર ગેરકાયદેસર માઇગ્રેશન પર લગામ કસવામાં નિષ્ફળ રહી છે તો બીજી તરફ આપણા સમુદાય માટે ટેરરિઝમ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત માર્ટિન્સ લૉમાં સુધારો મહત્વનો બની રહ્યો છે. ગ્રુમિંગ ગેંગ મુદ્દે નેશનલ ઇન્કવાયરીની જાહેરાત સ્ટાર્મર સરકારનું આવકાર્ય કદમ છે. આસિસ્ટેડ ડાઇંગ બિલ, બેઇલ રિફોર્મ્સ પર થયેલી કામગીરી દર્શાવે છે કે સરકાર હજુ કામ કરી રહી છે. સરકારનું આ પ્રથમ વર્ષ છે તેથી સમીક્ષા અઘરી છે. વચનો આપવા સહેલાં છે પરંતુ કામ કરવું મુશ્કેલ.
તેમણે જણાવ્યું હતું કે, બ્રિટિશ હિન્દુ સમુદાય નફરત સાંખી લેશે નહીં. અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર હિન્દુ સમુદાય સાથે તેના હિતોના મામલામાં સમાન વ્યવહાર કરે. કાયદાનું એકસમાન પાલન થાય. સરકારે લઘુમતી સમુદાયો માટે સકારાત્મક નીતિવિષયક પગલાં લીધાં છે પરંતુ તેમાં સાવધ પણ રહેવું જોઇએ.
મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના સેક્રેટરી જનરલ ડો. મુહમ્મદ વાજિદ અખ્તરે જણાવ્યું હતું કે, અમે અપેક્ષા રાખી હતી કે સરકાર મુસ્લિમ સમુદાયની ચિંતાઓ લક્ષમાં લેશે પરંતુ ગાઝાના નરસંહાર મુદ્દે સરકારની કામગીરીથી અમે હતાશ છીએ. જોકે વડાપ્રધાન સ્ટાર્મરે ફાર રાઇટ્સ રમખાણોને સારી રીતે નિયંત્રણમાં લીધાં હતાં. સરકાર અને પોલીસે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સારી કામગીરી કરી હતી. દેશમાં ફક્ત મુસ્લિમો જ નફરતનો શિકાર બની રહ્યાં નથી. હિન્દુ, શીખ અને અન્ય વંશીય સમુદાયો પણ નફરતનો શિકાર બને છે. લેસ્ટરમાં ભીમ કોહલીની હત્યા તેનું વરવું ઉદાહરણ છે.
ભારત પ્રત્યેની સ્ટાર્મર સરકારની બદલાયેલી નીતિથી ડાયસ્પોરામાં ખુશી છે. ચાથમ હાઉસ ખાતે સાઉથ એશિયા માટેના સીનિયર રિસર્ચ ફેલો ડો. ચૈતિજ બાજપેયીએ જણાવ્યું હતું કે, ભારત સાથેની વિદેશનીતિમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. લેબર પાર્ટીમાં ભારત વિરોધી વલણના આરોપો દૂર કરવામાં સ્ટાર્મર સરકારના પ્રયાસો પુરાવારૂપ બની રહ્યાં છે. ભારત સાથેના મુક્ત વેપાર કરારને મંજૂરી, ભારતમાં યુકેની યુનિવર્સિટીઓની સ્થાપના, ડેવિડ લેમીની ભારત મુલાકાતો સ્ટાર્મર સરકારની ભારત સાથેના સંબંધો મજબૂત બનાવવાની પ્રાથમિકતા દર્શાવે છે.