સ્ટીલ ઉત્પાદક કંપની બ્રિટિશ સ્ટીલ આખરે ફડચામાંઃ ૨૫,૦૦૦ નોકરીને અસર

Friday 24th May 2019 07:14 EDT
 
 

લંડનઃ યુકેની બાજા ક્રમની સ્ટીલ ઉત્પાદક કંપની બ્રિટિશ સ્ટીલ આખરે ફડચામાં જઈ રહી છે. જેના કારણે, ઓછામાં ઓછાં ૨૫,૦૦૦ લોકોની નોકરીઓને અસર થવાની શંકા સેવાય છે. બ્રિટિશ સ્ટીલે સરકાર પાસેથી વધુ ૩૦ મિલિયન પાઉન્ડની મદદ માગી હતી પરંતુ, ઈયુના નિયમો અનુસાર આવું શક્ય ન હોવાનો સરકારે દાવો કર્યો છે. જોકે સરકારે ત્રણ સપ્તાહ અગાઉ જ કંપનીને ૧૨૦ મિલિયન પાઉન્ડની મદદ કરી હતી. લેબર પાર્ટી અને યુનિયનોએ કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવાની માગણી કરી છે. સ્કનથોર્પ પ્લાન્ટ બંધ થવાથી આ વિસ્તારમાં બેરોજગારીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી બમણું થવાનો ભય છે.

બ્રિટિશ સ્ટીલ બંધ થવાથી નોર્થ લિંકનશાયરના સ્કનથોર્પમાં ૪,૦૦૦ નોકરી, ટેસ્સાઈડમાં ૮૦૦ અને યુકે સપ્લાય ચેઈનમાં ૨૦,૦૦૦ જેટલી નોકરીઓ ભયમાં મૂકાઈ છે. સરકારે બ્રિટિશ સ્ટીલને તેના ઈયુ કાર્બન બિલની ચૂકવણી અને ભારે દંડની રકમ ટાળવા એપ્રિલ મહિનામાં ૧૨૦ મિલિયન પાઉન્ડની લોન તરીકે મદદ કરી હતી. હવે બિઝનેસ સેક્રેટરી ગ્રેગ ક્લાર્કે કોમન્સ સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે કંપનીઓને સરકારી સહાય નહિ કરવાના ઈયુ કાયદા હેઠળ સરકારના હાથ બંધાયેલા છે અને વધુ ૨૦ મિલિયન પાઉન્ડની મદદ કરી શકે તેમ નથી. જોકે, તેમાં ૧૫,૦૦૦થી વધુ નોકરીઓ ભયમાં હોય તેવી સ્થિતિમાં નિર્ણય બદલી શકાય તેવો અપવાદ પણ છે.

લંડન હાઇકોર્ટે બ્રિટિશ સ્ટીલ લિમિટેડને ફરજિયાત ફડચાની કાર્યવાહી શરુ કરવા આદેશ આપ્યો છે. સરકારના સત્તાવાર રિસિવર કંપનીના મેનેજર તરીકે કાર્ય કરશે અને દેવાંની ચૂકવણી માટે કંપનીની મિલકતો વેચવામાં આવશે. એકાઉન્ટન્સી ફર્મ EY ખરીદારોને શોધવામાં મદદ કરશે. બ્રિટિશ સ્ટીલે તેની સમસ્યાઓ માટે બ્રેક્ઝિટ સંબંધિત મુદ્દાઓ અને સસ્તા ચાઈનીઝ સ્ટીલની સ્પર્ધાનો ઉલ્લેખ કર્યો છે. કંપનીએ કામદારોને મે અને જૂન મહિનાનો પગાર ચૂકવવાની ખાતરી પણ આપી છે. ૧૯૮૦ના દાયકાથી અત્યાર સુધી યુકેમાં ૧૫૦,૦૦૦થી વધુ સ્ટીલ ક્ષેત્રની નોકરીઓ ગુમાવાઈ છે. ૧૯૮૧માં સ્ટીલ ઈન્ડસ્ટ્રીમાં ૧૮૬,૦૦૦ વર્કર કામ કરતા હતા, જે હવે ઘટીને આશરે ૩૨,૦૦૦ થઈ ગયા છે. યોર્કશાયર અને હમ્બરને સૌથી વધુ ૪૦,૦૦૦ નોકરીનું નુકસાન ગયું છે અને તે પછી વેસ્ટ મિડલેન્ડ્સે ૨૫,૮૦૦ નોકરી ગુમાવી છે.

બ્રિટિશ સ્ટીલ સાથે ટાટા કનેક્શન

પૂર્વ વડા પ્રધાન માર્ગારેટ થેચરે રાષ્ટ્રીયકરણ કરાયેલી બ્રિટિશ સ્ટીલનું ૧૯૮૮માં ખાનગીકરણ કર્યું હતું. આ કંપની કોનિન્કલિકે હુગોવેન્સ સાથે જોડાઈને કોરસ ગ્રૂપ બની હતી, જેને ભારતના ટાટા ગ્રુપે ૨૦૦૭માં ખરીદ્યું હતું. ટાટા જૂથે ૨૦૧૦માં તેનું નવું નામ ટાટા સ્ટીલ યુરોપ આપ્યું હતું. ત્રણ વર્ષ ૨૦૧૬માં અગાઉ ટાટા જૂથે વાર્ષિક ૭૯ મિલિયન પાઉન્ડની ખોટ કરતા તેના ‘લોન્ગ પ્રોડક્ટ્સ ડિવિઝન’નું વેચાણ માત્ર એક પાઉન્ડમાં ગ્રેબુલ કેપિટલને કર્યું હતું. ૪૦૦૦થી વધુ નોકરી બચાવ્યા પછી ગ્રેબુલે સ્કનથોર્પ અને ટીસ્સાઈડમાં પ્લાન્ટ ધરાવતી તે કંપનીને બ્રિટિશ સ્ટીલ નામ આપી તેમાં ૪૦૦ મિલિયન પાઉન્ડ રોકવાની ખાતરી આપી હતી. જોકે, ગત સપ્ટેમ્બરમાં ૧૦ ટકા કર્મચારી છૂટા કરવા પડ્યા હતા. કંપનીએ વર્કિંગ કેપિટલ ઉભી કરવા તેની કેટલીક પરમીટ્સ વેચી હતી પરંતુ ધાલખાધ વધી જતા સરકાર પાસેથી ૧૨૦ મિલિયન પાઉન્ડની લોન લેવાની ફરજ પડી હતી, જો સરકારે આ લોન ન આપી હોત તો બ્રિટિશ સ્ટીલે તત્કાળ ૫૦૦ મિલિયન પાઉન્ડનો દંડ ભરવો પડે તેમ હતો. ભારતની સ્ટીલ કંપની ટાટા સ્ટીલના યુરોપિયન ઓપરેશન સામે પણ સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. જર્મનીની એક કંપનીએ તાજેતરમાં જ ટાટા સ્ટીલ સાથેની પ્રસ્તાવિત મર્જર યોજનાને રદ કરી દીધી છે.  (૫૩૩)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter