લંડનઃ એનએચએસમાં કામ કરતા જુનિયર ડોક્ટરોને હવે રેસિડેન્ટ ડોક્ટર તરીકે સંબોધન કરાશે. આ પ્રકારના બદલાવની માગ કરનાર બ્રિટિશ મેડિકલ એસોસિએશને જણાવ્યું હતું કે, જુનિયર ડોક્ટર શબ્દ વ્યક્તિની કાર્યક્ષમતા ઓછી હોવાનું પ્રદર્શિત કરતો હતો. આ નિર્ણયને કારણે હવે હોસ્પિટલ અને જીપી પ્રેકટિસમાં કામ કરી રહેલા 50,000 કરતાં વધુ જુનિયર ડોક્ટરને હવે રેસિડેન્ટ ડોક્ટર તરીકે ઓળખાશે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સરકાર અને એનએચએસના ડોક્ટરો વચ્ચેનો સંબંધ પુનઃસ્થાપિત કરવાના ભાગરૂપે નવું નામ સ્વીકારવામાં આવ્યું છે. બીએમએના જણાવ્યા અનુસાર તેના ઘણા સભ્યોનો આરોપ હતો કે જુનિયર શબ્દ જ ગુંચવાડો પેદા કરનારો છે અને તેના કારણે ડોક્ટર લાયકાત ધરાવતો નથી તેવું અર્થઘટન કરાતું હતું.
ડો. લિલી હુઆંગ ઇએનટી સર્જન છે અને એનચએસમાં છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવે છે તેમ છતાં જ્યારે તેઓ જુનિયર ડોક્ટર છું એમ કહે છે ત્યારે લોકો એવું અર્થઘટન કરે છે કે હું હજી મેડિકલ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છું.
એનએચએસઃ નર્સોએ 5.5 ટકા પગારવધારાની ઓફર ફગાવી
જુનિયર ડોક્ટરોની હડતાળ માંડ સમાપ્ત થઇ છે ત્યાં હવે એનએચએસની નર્સોએ બાંયો ચડાવી છે. તેમણે સરકારની 5.5 ટકા પગારવધારાની ઓફર નકારી કાઢી છે અને વધુ હડતાળની ચેતવણી આપી છે. લગભગ 70 ટકા નર્સોએ સરકાર સાથે થયેલી સંધિને નકારી કાઢી છે અને આગામી વર્ષોમાં ઊંચા પગારની માગ કરી છે.