લંડનઃ હિન્દીના સ્કોલર અને લંડન સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝના ફ્રાન્સેસ્કા ઓરસિનીને પાંચ વર્ષનો માન્ય વિઝા હોવા છતાં ગયા સપ્તાહમાં ભારતમાં પ્રવેશતા અટકાવાયાં હતાં. ઓરસિની ચીનમાં એક કોન્ફરન્સમાં ભાગ લઇને હોંગકોંગથી નવી દિલ્હી પહોંચ્યા હતા. જોકે ઇમિગ્રેશન સત્તાવાળાઓએ તેમને દેશમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો. ઓરસિનીએ જણાવ્યું હતું કે, મને આ માટે કોઇ કારણ પણ અપાયું નહોતું. મને ફક્ત એટલી ખબર પડી કે મને દેશનિકાલ કરવામાં આવી રહી છે.
ઓરસિનીએ ઇટાલીની વેનિસ યુનિવર્સિટીમાંથી હિન્દીનો અંડરગ્રેજ્યુએટ સ્તરનો અભ્યાસ પૂરો કર્યો હતો અને ત્યારબાદ તેમણે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હિન્દી અને જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી પીએચડીની ડિગ્રી હાંસલ કરી હતી. તેમનું હિન્દી સાહિત્યમાં મોટું યોગદાન રહેલું છે.


