લંડનઃ બિનમુસ્લિમ સગીરાઓને ગ્રૂમિંગ ગેંગ અપરાધીઓ સરળતાથી નિશાન બનાવી શકાય છે તેમ માનતા હોવાથી એક જાણીતા શીખ સંગઠને ગ્રૂમિંગ ગેંગ ઇન્કવાયરીનો વ્યાપ વધારવા હોમ સેક્રેટરીને અપીલ કરી છે. નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઇઝેશન યુકેએ હોમ સેક્રેટરી કૂપરને પત્ર લખીને માગ કરી છે કે ઇન્કવાયરીને વંશીય અને ધાર્મિક આધારે પણ સમીક્ષાની પરવાનગી આપવી જોઇએ.
નેટવર્કના ડિરેક્ટર લોર્ડ સિંહ ઓફ વિમ્બલ્ડને પત્રમાં જણાવ્યું છે કે ગ્રૂમિંગ ગેંગના મામલામાં મુખ્યત્વે શ્વેત સમુદાયોની સગીર પીડિતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાય છે. અમે એ જણાવવા માગીએ છીએ કે શીખ અને હિન્દુ સમુદાયોને પણ તેની અસર થઇ છે અને તે બ્રિટિશ સમાજનું કલંક છે.
સંગઠને તેના પત્રમાં શીખ સગીરાઓના કેસોનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં 2013ના એક કેસનો પણ સમાવેશ થાય છે. લેસ્ટરમાં મુસ્લિમોની એક ગેંગ સાથે મુલાકાત બાદ એક શીખ સગીરા પર કાર, પાર્ક અને ગેસ્ટ રૂમમાં બળાત્કાર કરાયા હતા. સંગઠને એક દાયકા પહેલાં બીબીસી દ્વારા કરાયેલા ઇન્વેસ્ટિગેશનનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં સામે આવ્યું હતું કે, ડઝનો શીખ સગીરાઓને ગ્રૂમિંગ ગેંગ્સ દ્વારા પોતાનો શિકાર બનાવવામાં આવી હતી અને બહુ ઓછા કેસ અદાલત સુધી પહોંચી શક્યાં હતાં.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, દાયકાઓથી ગ્રૂમિંગ ગેંગ્સ દ્વારા શીખ અને હિન્દુ સમુદાયની સગીરાઓને પણ લક્ષ્યાંક બનાવાઇ રહી છે. સમાજમાં બદનામી અને શરમના કારણે તેમાંના ઘણા કેસ અદાલત સુધી પહોંચ્યા જ નથી. ગ્રૂમિંગ ગેંગના નરાધમો તેમના કૃત્યોને ઉચિત ગણાવવા માટે કુરાનનો રેફરન્સ આપે છે અને કહે છે કે તેઓ બિનમુસ્લિમોને નિશાન બનાવી રહ્યાં છે. તેઓ ધાર્મિક અને વંશીય આધારે અપરાધો આચરી રહ્યાં છે.