લંડનઃ યુકેના હિન્દુ સમુદાયના જમણેરી વિચારધારા ધરાવતા લોકો મુસ્લિમો પ્રત્યે નફરતની ભાવના ધરાવતા યુરોપના ફાર રાઇટ સંગઠનો સાથે હાથ મિલાવી રહ્યા હોવાના અખબારી અહેવાલની યુકેના હિન્દુ સંગઠનો દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. તેમણે આ અખબારી અહેવાલને પાયાવિહોણો અને ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો હતો.
ડેઇલી મેઇલમાં પ્રસિદ્ધ કરાયેલા અહેવાલ અનુસાર પોલીસ રિપોર્ટમાં બ્રિટિશ હિન્દુ સમુદાયના કટ્ટરવાદી તત્વોએ મુસ્લિમો પ્રત્યેની નફરતના કારણે ફાર રાઇટ સંગઠનો સાથે હાથ મિલાવ્યા હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે. રિપોર્ટમાં એવો પણ આરોપ મૂકાયો છે કે આ તત્વો હિન્દુ મતદાતાઓને કઇ રાજકીય પાર્ટીને સમર્થન આપવું તેની સલાહ આપીને બ્રિટિશ ચૂંટણી પર પ્રભાવ પાડી રહ્યાં છે.
ડેઇલી મેઇલના અહેવાલ પર પ્રત્યાઘાત આપતા ઇનસાઇટ યુકે નામના હિન્દુ સંગઠને જણાવ્યું હતું કે અમે ડેઇલી મેઇલ અને મીડિયા રેગ્યુલેટર સમક્ષ ફરિયાદ કરવા જઇ રહ્યાં છીએ. આ પાયાવિહોણો આરોપ કોઇપણ પુરાવા વિના કરાયો છે. આ પ્રકારના અખબારી અહેવાલ યુકેમાં વસતા હિન્દુઓને અસુરક્ષાની અનુભૂતિ કરાવે છે.
હિન્દુ ફોર લેબરે અહેવાલને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, યુકેમાં કોઇ હિન્દુ સંગઠને ફાર રાઇટ્સ સાથે હાથ મિલાવ્યા નથી. સંગઠનના અધ્યક્ષ નીરજ પાટિલે જણાવ્યું હતું કે, આ પ્રકારના દાવા કરનારા પાસે પુરાવાની માગ કરવી જોઇએ. કેટલાક ચોક્કસ પરિબળો દ્વારા હિન્દુ વિરોધી એજન્ડાને પ્રોત્સાહિત કરવા આ પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આ પરિબળો યુકેમાં હિન્દુ સમુદાયનો વધતો પ્રભાવ સહન થઇ રહ્યો નથી.