લંડન
વર્ષ 2002માં ગુજરાતના કોમી રમખાણોમાં હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સીધી સંડોવણીનો આરોપ મૂકતા બ્રિટિશ સરકારના એક ગુપ્ત અહેવાલના આધારે બીબીસી દ્વારા તૈયાર કરવામાં આવેલી દસ્તાવેજી ફિલ્મ ઇન્ડિયા – ધ મોદી ક્વેશ્ચન સામે ભારતીય સમુદાયમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે તેમના ભારતીય સમકક્ષનો ખુલીને બચાવ કરતાં સમગ્ર વિશ્વે તેની નોંધ લીધી હતી.
બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં પ્રશ્નોત્તરી દરમિયાન પાકિસ્તાની મૂળના લેબર પાર્ટીના બ્રેડફોર્ડ ઇસ્ટના સાંસદ ઇમરાન હુસેને વડાપ્રધાન રિશી સુનાકને સવાલ કર્યો હતો કે, યુકેના વિદેશ વિભાગના કેટલાક રાજદ્વારીઓ એમ માનતા હતા કે 2002ના ગુજરાતના રમખાણોમાં નરેન્દ્ર મોદીની સીધી સંડોવણી હતી તેવી બીબીસીની દસ્તાવેજી ફિલ્મમાં કરાયેલા દાવા અંગે તમે સહમત છો? તેમણે સવાલ કર્યો હતો કે, શું બ્રિટનના વિદેશ મંત્રાલય, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કોમી રમખાણોમાં સંડોવણીની જાણ હતી?
પાકિસ્તાની મૂળના સાંસદના સવાલના જવાબમાં રોકડું પરખાવતાં વડાપ્રધાન રિશી સુનાકે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે, આ મામલામાં બ્રિટન સરકારનું વલણ સ્પષ્ટ છે અને લાંબા સમયથી તેમાં કોઇ બદલાવ કરાયો નથી. હા, અમે વિશ્વમાં ગમે ત્યાં ઉત્પીડન અને અત્યાચારને બરદાસ્ત કરતાં નથી પરંતુ હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રકારના ચારિત્ર્ય ચિત્રણ સાથે જરાપણ સહમત થતો નથી.