‘એક્સેસ ઈન્ડિયા પ્રોગ્રામ’નો ભારતીય હાઈ કમિશન અને UKIBC દ્વારા પ્રારંભ

Monday 09th October 2017 09:34 EDT
 
 

લંડનઃ યુકેના લધુ અને મધ્યમ કદની કંપનીઓ (SMEs)ને ભારતમાં રોકાણ માટે સુગમતા પૂરી પાડવાના ઉદ્દેશ સાથેના એક્સેસ ઈન્ડિયા પ્રોગ્રામનો લંડનના ભારતીય હાઈ કમિશન અને યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (UKIBC)ના સંયુક્ત ઉપક્રમે ગત ૨૭મી સપ્ટેમ્બરે હાઈ કમિશનર વાય કે સિંહાએ પ્રારંભ કરાવ્યો હતો. ભારત સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ ‘મેક ઈન ઈન્ડિયા’ પર આધારિત આ યોજના યુકેમાંથી મૂડીરોકાણ સરળ રીતે થાય તેવા અભિગમ સાથેની છે, જે યુકેની કંપનીઓને બજારમાં પ્રવેશનો નિર્ણય લેવા અને ભારતના બજારમાં સફળ પ્રવેશ માટે મદદ પૂરી પાડશે.

ભારતીય હાઈ કમિશન અને UKIBC યુકેના SMEsનું તમામ પાસાને ધ્યાનમાં રાખીને વિશ્લેષણ કરશે અને ક્ષમતા ધરાવતા એકમોને અગ્રણી ઉત્પાદકો, OEMs, વેપાર સંસ્થાઓ અને ચેમ્બર ઓફ કોમર્સને સાંકળતી યોજના તૈયાર કરશે. આ યોજના દૂરગામી છે અને માત્ર ભારતના સંબંધિત કેન્દ્ર અને રાજ્ય સરકારોના મંત્રાલયોની સહાયથી જ નહિ પરંતુ, ભારતના બજારમાં પ્રવેશ માટે દરેક રીતે યુકેની કંપનીઓને મદદ કરી શકે તેવી મુખ્ય ઈન્ડસ્ટ્રીઝને પણ તેમાં સામેલ કરાશે. તેમાં એડવાઈઝરી, લો, ટેક્સેશન અને એકાઉન્ટિંગ કંપનીઓનો સમાવેશ થાય છે. ભારતમાં કાર્યરત યુકેની કેટલીક મોટી કંપનીઓ પસંદ કરાયેલા AIP SMEsને માર્ગદર્શન આપશે.

યુકે ઈન્ડિયન બિઝનેસ કાઉન્સિલ HCI લંડનને AIP યોજનાના આયોજન, રચના, અમલ અને સંકલનમાં તથા યુકેની પસંદ થયેલી કંપનીઓને ભારતમાં પ્રવેશ માટે મદદ કરશે. હાઈ કમિશનર સિંહાએ જણાવ્યું હતું, અમે યુકેના નાના અને મધ્યમ ઉદ્યોગોને ભારતમાં મૂડીરોકાણમાં સરળતા થાય તે માટે યુકેમાં પ્રથમ એવા Access India Programme (AIP) શરૂ કરી રહ્યા છીએ. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં ૧૭૫ બિલિયન યુએસ ડોલરનું સીધું વિદેશી મૂડી રોકાણ થયું છે. બિઝનેસમાં સરળતા ધરાવતા દેશોના ક્રમમાં સ્થિતિ સુધારવા માટે ભારત સરકાર પ્રતિબદ્ધ છે અને વિશેષ ધ્યાન આપી રહી છે.

એઆઈપી દ્વારા અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઈન ઈન્ડિયા યોજનાને આગળ ધપાવવા માગીએ છીએ. મને આશા છે કે આ યોજનાના અમલથી અમે ભારતમાં બિઝનેસ કરવાની સુગમતાની બાબતે તાજેતરમાં થયેલા ફેરફારોને ઉજાગર કરી શકીશું, SMEsની પહેલને સુવિધા આપીશું અને બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય મૂડીરોકાણને વધારી શકીશું.

ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ કે પટનાયકે જણાવ્યું હતું, આને માટે અમે કોઈ ચાર્જ લઈશું નહિ. આ સુવિધા પૂરી પાડવા માટેની યોજના છે. વિપુલ નાણા અને લીગલ એક્સપર્ટ્સ નહિ ધરાવતા SMEs ભારતીય માર્કેટમાં પહોંચી શકે તેમ છે કે નહિ તેની સમીક્ષા કરવા માગીએ છીએ. SMEsના પ્રવાહને ભારત આવવા પ્રોત્સાહિત કરવા માટે AIP છ વાર્ષિક વર્કશોપ અને મેન્ટરિંગ પ્રોગ્રામ યોજશે. ૨૦૧૮ની શરૂઆતથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી શકે તે માટે પ્રાથમિક ધોરણે ૫૦ કંપનીઓના એક ગ્રૂપને આ વર્ષના અંત સુધીમાં નક્કી કરાશે. યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (UKIBC)ના સીઈઓ રિચાર્ડ હિલ્ડે જણાવ્યું હતું કે આ મહત્ત્વની પહેલમાં તેઓ ભારતીય હાઈ કમિશન સાથે મળીને કામ કરશે. યુકે-ભારતના આર્થિક સંબંધો મહત્ત્વના સમયે વધુ મજબૂત બની રહ્યા છે તેનો આ વધુ એક પૂરાવો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter