‘ડ્રાય જાન્યુઆરી’થી પર્યાવરણને લાભ ખરો?

Tuesday 11th January 2022 16:50 EST
 
 

લંડનઃ આ મહિને લાખો લોકો આલ્કોહોલ ચેઈન્જ દ્વારા સંચાલિત ‘ડ્રાય જાન્યુઆરી’ અભિયાનના ભાગરૂપે પોતાના આલ્કોહોલનો વપરાશ ઘટાડી રહ્યા છે. થોડાં સપ્તાહ શરાપપાનની આદતને ખીંટીએ વળગાડી દેવાય તો તેમના આરોગ્ય, સુખાકારી અથવા બેન્ક બેલેન્સમાં વધારો કરવાની ઈચ્છા સ્વાભાવિક હોઈ શકે અથવા તેમના વાણી-વર્તનમાં સુધારો પણ થતો હોય છે પરંતુ, પર્યાવરણને તેનાથી શું લાભ મળે તે પણ જાણવું જોઈએ.

પબમાં ગોઠવાઈ બિયરનો એક પિન્ટ અથવા ઘરમાં બેસીને વાઈનનો ઘૂંટ લઈએ ત્યારે તેના પર ઉત્પાદન, પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટેશન સહિત આગવી પર્યાવરણીય છાપ હોય છે. આલ્કોહોલ ઉત્પાદનના દરેક તબક્કાની પર્યાવરણીય અસર હોય છે. તેની માગ વધે તેની સાથે ઉત્પાદન વધારવા વધુ જમીન અને જળસ્રોતોની પણ માગ સર્જાય જેની સ્થાનિક કોમ્યુનિટીઝ માટે હંમેશાં અછત રહે છે. બિયરની ૫૦૦ મિલિ.ની બોટલ પાછળ ૧૪૮ લીટર અને વાઈનના ૧૨૫ મિલિ.ના ગ્લાસ પાછળ ૧૧૦ લીટર પાણીનો વપરાશ થાય છે.

આલ્કોહોલના ટ્રાન્સપોર્ટેશન પાછળ પોલ્યુશન સહિતની કિંમત ચૂકવવી પડે છે. શેમ્પેઈન (ફ્રાન્સ) અને ટેક્વિલા (મેક્સિકો) જેવાં કેટલાક શરાબનું ઉત્પાદન ચોક્કસ વિસ્તારોમાં જ થાય છે અને વૈશ્વિક વપરાશકારો સુધી પહોંચવા લાંબી સફર ખેડવી પડે છે. આ સિવાય, બોટલ્સ અને કેન્સનો બગાડ પણ ધ્યાને લેવો જોઈએ. રિસાઈકલિંગનો વિકલ્પ હોવાં છતાં, યુકેમાં ૫૦ ટકા ગ્લાસ બોટલ્સ અને એલ્યુમિનિયમ કેન્સ લેન્ડફિલ સાઈટ્સમાં પહોંચે છે.

ધ ફૂડ ક્લાઈમેટ રિસર્ચ નેટવર્કના દાયકા અગાઉના અંદાજ મુજબ યુકેના ગ્રીનહાઉસ ગેસ એમિશન્સનો ૧.૫ ટકા ફાળો આલ્કોહોલનો હતો જેમાંથી, પબ્સ, ક્લબ્સ અથવા ઘરમાં બેસીને કરાતા શરાબપાનનો હિસ્સો ૦.૬ ટકાનો ગણાવી શકાય. સ્વીડનનો ૨૦૧૮નો અભ્યાસ કહે છે કે આહારમાંથી પેદા થતા ગ્રીનહાઉસ ગેસ એમિશન્સમાં ત્રણ ટકાનો ફાળો આલ્કોહોલનો છે. દરેક શરાબી પ્રતિ વર્ષ સરેરાશ ૫૨ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઈડ પેદા કરે છે.

વર્ષની શરૂઆત હોવાથી ‘ડ્રાય જાન્યુઆરી’ લાભદાયી તો છે જ પરંતુ, તે લાંબા સમય સુધી રાખીએ તો વધુ લાભ થશે. આ ઉપરાંત, કાર્બન ફૂટપ્રિન્ટમાં ફાળો વધારતા સોફ્ટ ડ્રિન્ક્સ અને બોટલબંધ પાણીનો વપરાશ પણ ઘટાડી શકાય. સંશોધન કહે છે કે યુકેની સોફ્ટ ડ્રિન્ક સપ્લાય ચેઈન દ્વારા રેફ્રિજરેશન ગ્રીનહાઉસ ગેસીસ થકી દર વર્ષે ૧.૫ મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડ પેદા થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter