• પ્રિન્સ હેરીના પિતા હોવાનો હેવિટ્ટનો ઈનકાર

Monday 20th March 2017 10:19 EDT
 

પ્રિન્સેસ ડાયેનાના પૂર્વ પ્રેમી અને અશ્વદળના અધિકારી જેમ્સ હેવિટ્ટે તેઓ પ્રિન્સ હેરીના પિતા હોવાની અફવાઓ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. આવી અફવાઓ પ્રિન્સ હેરી માટે ઘણી ખરાબ પરિસ્થિતિ સર્જતી હોવાનું હેવિટ્ટે જણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ટેલિવિઝન પર હેવિટ્ટને તેઓ પ્રિન્સ હેરીના પિતા હોવા વિશેનો પ્રશ્ન પૂછાતા તેમણે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રિન્સેસ અને હેવિટ્ટ વચ્ચે પાંચ વર્ષ સુધી પ્રેમસંબંધ હતો.

• ઉમરાવોને દૈનિક ભથ્થાની તપાસ પડતી મૂકાઈ

કોઈ પણ કામગીરી બજાવ્યા વિના દૈનિક ૩૦૦ પાઉન્ડ મેળવતા હાઉસ ઓફ લોર્ડ્સના ઉમરાવો અંગેની તપાસ અધવચ્ચે જ બંધ કરાઈ હોવાનું લોર્ડ્સના પૂર્વ સ્પીકર બેરોનેસ ડિ‘સોઝાએ સ્વીકાર્યું હતું. બીબીસીના ‘મીટ ધ લોર્ડ્સ’ કાર્યક્રમમાં બેરોનેસે કહ્યું હતું કે તેમની તપાસમાં કેટલાક ઉમરાવો ચેમ્બરમાં કોઈ પણ કાર્ય કર્યા વિના જ દૈનિક ૩૦૦ પાઉન્ડનું એલાવન્સ મેળવવા આવતા હોવાનું જણાયું હતું. આનાથી મીડિયામાં ભારે સનસનાટી સર્જાવાનો તેમજ ઉમરાવોના નામોલ્લેખથી શરમજનક સ્થિતિ ઉભી થવાનો ભય જણાતાં તેમણે સંશોધન પડતું મૂક્યું હતું.

• બેકગ્રાઉન્ડ સંગીત ટેસ્ટ બડ્સને ઉત્તેજિત કરે

સામાન્ય રીતે કરી હાઉસીસમાં ભોજન કરનારાઓ ત્યાં રેલાતાં બેકગ્રાઉન્ડ સંગીતમાં નહિ, ખાવામાં જ વધુ ધ્યાન આપતા હોય છે. જોકે,ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોનું નવું સંશોધન જણાવે છે કે આવું સંગીત તેમના ટેસ્ટ બડ્સને ઉત્તેજિત કરે છે. ચોક્કસ પ્રકારનું સંગીત અને તીવ્ર અવાજો મરચાંની તીખાશની અનુભૂતિને વધારે છે. ખાસ સાઉન્ડટ્રેક્સ ખોરાકમાં મસાલાની રોચકતામાં ૧૦ ટકાનો વધારો કરે છે. આ પ્રકારના પ્રથમ સંશોધન અનુસાર ભારતીય રેસ્ટોરાંમાં જે પરંપરાગત સંગીત રેલાય છે તેનાથી ભોજન લેવાનો મૂડ બને છે અને ખોરાક વધુ સ્વાદિષ્ટ લાગે છે.

• સપ્લાયર્સ પાસેથી નાણા મેળવવાની તરકીબો

સપ્લાયર્સ પાસેથી નાણા મેળવવા સુપરમાર્કેટ્સ દ્વારા અવનવી તરકીબો અપનાવાય છે, જેમાં ચેરિટી ડિનર ટિકિટ્સ માટે ૨૫,૦૦૦ પાઉન્ડ સુધીની રકમો ચુકવવા માગણી કરાય છે. આ ઉપરાંત, મંગાવેલો માલસામાન સ્ટોર સુધી પહોંચ્યો જ નથી તેવા દાવા પણ કરાય છે. સુપરમાર્કેટ્સની અભરાઈઓ પર સપ્લાયર્સનો માલ ગ્રાહકોની નજર રહે તેમ ગોઠવવા માટે પણ નાણા માગવામાં આવે છે તેમજ કોઈ ગ્રાહકની ફરિયાદ આવે તો ૫૫ પાઉન્ડ સુધીનો ચાર્જ વસૂલ કરાતો હોવાનું સરકારી વોચડોગ દ્વારા જણાવાયું છે.

• ઘરસંભાળ કે વૃદ્ધો માટે જેલ

ઘરમાં જ વૃદ્ધોની સારસંભાળ લેતાં હજારો પરિવાર વૃદ્ધોની સલામતી માટે જ ઘરમાં બંધ કરી રાખે તેમાં કાયદાનો સદંતર ભંગ થાય છે. ખાનગી ઘર અથવા ટેકારુપ રહેવાની વ્યવસ્થામાં રખાતા ૬૩,૦૦૦ લોકોને તેમની સ્વતંત્રતાથી વંચિત રખાતાં હોવાનું કહેવાય છે. સારસંભાળ લેનારા અથવા પરિવારજનોને આવી પરવાનગી ન હોવાં છતાં તેમને ઘરમાં બંધ કરી રખાય છે. ઘરમાંથી બહાર જતાં રહેશે તેવા ભયથી વૃદ્ધોને ઘરમાં બંધ કરી દેવાય છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી