• વધુ કલાક કામ કરવાથી સ્ટ્રોકનું જોખમ વધે

Monday 17th July 2017 03:52 EDT
 

દિવસ દરમિયાન વધુ કલાક કામ કરતા લોકોના હૃદયના ધબકારા અનિયમિત થવાનું જોખમ રહેતા તેમને સ્ટ્રોક, હૃદયરોગનો હુમલો અને ડિમેન્શિયા થવાની શક્યતા વધી જતી હોવાનું યુનિવર્સિટી કોલેજ લંડનના અભ્યાસમાં જણાયું હતું. દર અઠવાડિયે ૩૫થી ૪૦ કલાક કામ કરતા લોકોની સામે ૫૫ કે તેથી વધુ કલાક કામ કરતા લોકોને એટ્રિયલ ફાઈબ્રિલેશન એટલે કે હૃદયના ધબકારા વધવાની સાથે ચક્કર આવવાની શક્યતા ૪૦ ટકા વધી જાય છે.

• ટાટા સ્ટીલે મેનેજરોને £૨૫ મિલિયનનું બોનસ ચૂકવ્યું

યુકેના વર્કરોએ સાઉથ વેલ્સના પોર્ટ તાલબોટ સ્ટીલવર્ક્સને ચાલુ રાખવા માટે પેન્શન કાપ સ્વીકારી લેતા ટાટા સ્ટીલે તેના યુરોપના ટોચના અંદાજે ૧૦૦ મેનેજરોને કુલ £૨૫ મિલિયનનું લોયલ્ટી બોનસ ચૂકવ્યું હતું. ગયા સમરમાં બંધ થવાના આરે આવેલા ને હજારો વર્કરોની જોબ બચાવવાના હેતુ સાથેના પેકેજના ભાગરૂપે આ સમાધાન થયું હતું. પેન્શનનો પ્રશ્ર ઉકેલાતા ટાટાના યુરોપિયન બિઝનેસના જર્મન હરિફ થાયસીનકૃપમાં સૂચિત વિલિનિકરણનો માર્ગ મોકળો થયો છે.

• આરોગ્યની દ્વષ્ટિએ ૨૫ ટકા કેર હોમ્સ બિનસલામત

વડીલોની સારસંભાળ માટેના ૨૫ ટકા કેર હોમ્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બિનસલામત હોવાનું વોચડોગ કેર ક્વોલિટી કમિશનના રિપોર્ટમાં જણાવાયું હતું, આ કેર હોમ્સમાં નબળા સંચાલન અને સ્ટાફની તંગીને લીધે અઠવાડિયાઓ સુધી સફાઈ થતી નથી અને ગંદકી ફેલાતી હોય છે. જ્યારે ૩૩ ટકા રેસિડેન્શીયલ નર્સિંગ હોમ્સમાં વડીલોની પૂરતી સંભાળ લેવાતી ન હોવાનું પણ તેમાં જણાવાયું હતું.

• ક્રિસમસ લંચના ઝઘડામાં પુત્રે માતાની હત્યા કરી

વેસ્ટ મીડલેન્ડ્સના ડડલીમાં રહેતા ૪૦ વર્ષીય માર્ક જેનન્સે બનાવેલા ક્રિસમસ લંચની તેની ૭૮ વર્ષીય માતા હેઝલ જેનન્સે ટીકા કરતાં તેણે માતાને ફ્લેટમાંથી નીચે ફેંકી દીધી હતી. હેઝલ ઓસ્ટિયોપોરોસિસ અને ફેફ્સાના કેન્સરથી પીડાતા હતા. ૨૦૧૫માં બનેલી આ ઘટનામાં હેઝલનું થાપાનું હાડકું તૂટી ગયું હતું અને બ્રોન્કોન્યૂમોનિયાને લીધે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. માતાને ફેંકી દીધા પહેલા માર્કે માતાને ગોઠણિયે ચલાવી હતી.

• કટ્ટરપંથી યુવાને જિહાદીની પ્રશંસાનું ગીત યુ ટ્યુબ પર મૂક્યું

IsiLના પ્રભાવમાં આવી ગયેલા બર્કશાયરના સ્લાઉમાં રહેતા ૨૧ વર્ષીય તહા હુસેને ૯/૧૧ની હોનારત માટે જિહાદીઓની પ્રશંસા કરતું કેપેલા સોંગ યુ ટ્યૂબ પર મૂકીને ઈસ્લામિક પ્રોપેગેન્ડા કર્યો હતો. તેણે પોતાના મોબાઈલ ફોનથી વોટ્સ એપ અને ટેલીગ્રામ પર પણ પેરિસમાં ચાર્લી હેબ્દો અને બેટેસિયન હત્યાકાંડ સહિતના અન્ય વીડિયો મૂક્યા હતા. પેરિસમાં ૨૦૧૫માં બનેલી આ ઘટનામાં ૧૪૨ લોકો માર્યા ગયા હતા.

• ચાર પૂર્વ શિક્ષકો પર જાતીય ગુનાનો આરોપ

વેસ્ટ સસેક્સના હોર્શમ નજીકની ક્રાઈસ્ટ્સ હોસ્પિટલ સ્કૂલના ચાર પૂર્વ શિક્ષકો પર ૧૯૮૦થી ૧૯૯૬ના ગાળામાં ૧૫ યુવક અને યુવતીઓ પર દુષ્કર્મ આચરવા સહિત સંખ્યાબંધ જાતીય ગુનાના ૩૬ કાઉન્ટ મૂકાયા હતા. આ તમામની વય અત્યારે ૬૦થી ૭૫ વચ્ચે છે. તેમાં ગેરી ડોબી (૬૬), જેમ્સ હસબન્ડ (૬૭), અઝીઝ ખાન (૬૨), પીટર વેબ (૭૪)નો સમાવેશ થાય છે. આ તમામની ગયા નવેમ્બરમાં ધરપકડ કરાઈ હતી. હવે તેમને ૯મી ઓગસ્ટે ક્રોલી મેજિસ્ટ્રેટ્સ સમક્ષ હાજર કરવામાં આવશે. 


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter