લંડનઃ પોતાના હોદ્દા અને શાખનો દુરૂપયોગ કરી 1980ના દાયકામાં 3 સગીરાઓનું જાતીય શોષણ કરનાર એક શીખ અગ્રણીને 24 કરતાં વધુ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. મલખાન સિંહ મૌજીએ હર્ટફોર્ડશાયરના હિટચિનમાં આઠથી 14 વર્ષની 3 સગીરાને ગુરુદ્વારા સહિતના સ્થળોએ પોતાનું નિશાન બનાવી હતી. 71 વર્ષીય મૌજી તે સમયે ટ્રાવેલિંગ ગ્રંથી હતા જે ગુરુદ્વારામાં શીખોના પવિત્ર ગ્રંથ ગુરૂ ગ્રંથ સાહિબમાંથી પઠન કરતા હોય છે. આ ઘટનાઓ જુલાઇ 1983થી ઓગસ્ટ 1987 વચ્ચે ઘટી હતી. સુનાવણી દરમિયાન મૌજીએ તેમના પર મૂકાયેલા તમામ આરોપ નકારી કાઢ્યાં હતાં.
કેમ્બ્રિજ ક્રાઉન કોર્ટમાં પ્રોસિક્યુટર્સે એક આધ્યાત્મિક આગેવાનની ભુમિકાનો ગેરલાભ ઉઠાવીને કેવી રીતે સગીરાઓનું તેમના નિવાસસ્થાન અને ગુરૂદ્વારામાં શોષણ કર્યું તેની વિગતો આપી હતી. મૌજી સગીરાઓને તેમની જાતીય ઇચ્છાઓ સંતોષવાનું સાધન સમજતો હતો.
મૌજી પર વર્ષ 2023માં આરોપ ઘડાયાં હતાં. જેમાંથી તેણે 11 આરોપ નકારી કાઢ્યાં હતાં. મૌજીને કેદની સજા ફટકારતાં જજ એન્ડ્રુ હર્સ્ટે જણાવ્યું હતું કે તમે વિશ્વાસઘાત કરીને સગીરાઓને અત્યંત સંવેદનશીલ નુકસાન પહોંચાડ્યું હતું. આ સજા તમારા અપરાધની ગંભીરતા પ્રતિબિંબત કરે છે.