અંતરિક્ષમાં ભારતની નવી ઉડાનઃ પ્રાઇવેટ રોકેટ વિક્રમ-એસનું સફળ લોન્ચિંગ

Tuesday 22nd November 2022 07:06 EST
 
 

શ્રીહરિકોટ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ શ્રીહરિકોટામાં પોતાના કેન્દ્રથી દેશનું પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક 18 નવેમ્બરે સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. વિક્રમ-એસ લોન્ચ બાદ 89.5 કિલોમીટરની ઊંચાઈ સુધી ગયું અને તમામ માપદંડો પર ખરુ ઉતર્યું. આ રોકેટ ત્રણ પેલોડ લઈને ગયું હતું. ચાર વર્ષ જૂના સ્ટાર્ટ-અપ સ્કાઇરુટ એરોસ્પેસ દ્વારા વિક્રમ-એસ રોકેટનું લોન્ચિંગ કરાયું હતું. આ સાથે જ દેશના અંતરિક્ષ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રનો પ્રવેશ થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરો અને તેના તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. ઇસરોએ ટ્વિટર પર જાહેરાત કરી કે, ‘મિશન પ્રારંભ સફળતાપૂર્વક પુર્ણ થયું. અભિનંદન.’
દાયકાઓથી આ ક્ષેત્રમાં સરકારી માલિકીવાળા ઇસરોનું પ્રભુત્વ રહ્યું છે. સ્કાઇરુટ એરોસ્પેસ ભારતની પ્રથમ ખાનગી કંપની બની ગઈ છે, જે 2020માં કેન્દ્ર સરકાર દ્વારા અંતરીક્ષ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્ર માટે દ્વાર ખોલાયા બાદ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમમાં પ્રવેશી રહી છે.
રોકેટનું નામકરણ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક અને દિવંગત વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામ પર કરવામાં આવ્યું છે. વિક્રમ-એસને સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કર્યા બાદ 81 કિલોમીટરની ઊંચાઈ પર પહોંચવાનું હતું પરંતુ આ તેનાથી ઊંચુ ગયું. ‘પ્રારંભ’ નામના મિશનમાં બે સ્થાનિક અને એક વિદેશી ગ્રાહકના ત્રણ પેલોડને લઈ ગયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter