અંબાણી-મર્ચન્ટ પરિવારે ગોળધાણા ખાધાઃ અનંત-રાધિકાની સગાઈ વિધિ સંપન્ન

Wednesday 25th January 2023 07:41 EST
 
 

મુંબઇઃ રિલાયન્સ ઉદ્યોગ સમૂહના સર્વેસર્વા મુકેશ અંબાણીના ઘરે લગ્નના ઢોલ ઢબૂક્યા છે. તેમના પુત્ર અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટની સગાઈની જાહેરાત અગાઉ નાથદ્વારા ખાતે કરવામાં આવી હતી. હવે તેમણે ગુજરાતી પરંપરા અનુસાર ગોળધાણા તથા ચૂંદડી ઓઢાડવાની વિધિ અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે સંપન્ન કરી હતી.
મર્ચન્ટ પરિવાર 19 જાન્યુઆરીએ એન્ટિલિયા આવી પહોંચ્યો ત્યારે આરતી ઉતારીને તેમનું સ્વાગત કરાયું હતું. બાદમાં ગોળધાણા અને ચૂંદડી ઓઢાડવાની વિધિ ઉપરાંત રિંગ સેરેમની પણ યોજાઈ હતી.
આ સમારંભ મહારાજા જેવો ભવ્ય હતો તો તેની સાથે તેમાં ગુજરાતી પરંપરા અને સામાજિક રીતરસમ ચૂકી ન જવાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. રિંગ સેરેમનીના આ સમારંભમાં નીતનવી અજાયબીઓની સાથે ગુજરાતી છાંટ પણ ઊડીને આંખે વળગતી હતી. બોલિવૂડ સ્ટાર્સની હાજરીએ સગાઈ સમારંભમાં પણ ગ્લેમરનો ચળકાટ ઉમેર્યો હતો.
ગુજરાતી હિંદુ પરિવારોમાં પેઢીઓથી અનુસરવામાં આવે છે એવી ગોળધાણા અને ચુંદડી વિધિ જેવી વર્ષોજૂની પરંપરાઓ કૌટુંબિક મંદિર અને નિવાસસ્થાનના સમારંભ યોજવાના સ્થળે ખૂબ જ ઉત્સાહથી નિભાવવામાં આવી હતી. આ ઉપરાંત પરિવારોએ એકબીજાને ભેટો અને શુભેચ્છાઓની આપ-લે સાથે અનહદ આનંદ પણ વહેંચ્યો હતો. અનંતના માતા નીતા અંબાણી સહિતના અંબાણી પરિવારના સભ્યોએ એક નૃત્ય પણ કર્યું હતું.
શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવ્યા
બંને પરિવારો અનંત અને રાધિકા સાથે તેમના ભાવિ બંધન અને સાંજના સમારંભો માટે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં ગયા હતા. ત્યાંથી બધા સમારંભ સ્થળ પર ગયા અને ત્યારબાદ ગણેશ પૂજાથી કાર્યોની શરૂઆત કરીને પરંપરાગત પત્રિકાનું વાંચન કરવામાં આવ્યું હતું. ગોળધાણા અને ચુંદડી વિધિ કરવાની સાથે અનંત અને રાધિકાના પરિવારો વચ્ચે આશીર્વાદ અને ભેટોની આપ-લે થઈ હતી. શ્રીમતી નીતા અંબાણીની આગેવાનીમાં અંબાણી પરિવારના સભ્યો દ્વારા સૌને આશ્ચર્યચકિત કરી દેતી એક નૃત્ય કૃતિ રજૂ કરવામાં આવી હતી જેનાથી ઉપસ્થિત તમામ લોકોમાં ઉત્સાહ અને પારિવારિક બંધનનું તત્વ ખીલી ઉઠ્યું હતું.
બહેન ઈશાએ કરી રિંગ સેરેમનીની જાહેરાત
આ પછી બહેન ઈશાએ રિંગ સેરેમનીની શરૂઆતની જાહેરાત કરી અને અનંત તથા રાધિકાએ પરિવાર અને મિત્રોની હાજરીમાં એકબીજાને રિંગ્સ પહેરાવી હતી અને સપ્તપદીના આગામી બંધન માટે પરિવારના આશીર્વાદ માંગ્યા હતા.
પરિચય પરિણયમાં પરિણમ્યો
અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને આ સગાઈ વિધિ તેમને આગામી મહિનાઓમાં તેમના લગ્નની વધુ નજીક લાવે છે.
નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અનંતે યુએસએની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારથી જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય સહિત વિવિધ ક્ષમતાઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સેવા આપી રહ્યા છે. તેઓ હાલમાં રિલાયન્સના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. શૈલા અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા ન્યૂ યોર્ક યુનિવર્સિટીના સ્નાતક છે અને એન્કોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે.
સેલિબ્રિટીની ઝાકઝમાળ
આ પ્રસંગે સેલિબ્રિટીસની ઝાકઝમાળ જોવા મળતી હતી. આ પ્રસંગે હાજર જાણીતા ચહેરાઓમાં શાહરુખ ખાન - ગૌરી ખાન - આર્યન ખાન, સલમાન ખાન, ઐશ્ચર્યા રાય અને પુત્રી આરાધ્યા, રણવીર સિંહ-દીપિકા પાદૂકોણ, સારા અલી ખાન, જ્હાન્વી કપૂર-ખુશી કપૂર, અર્જુન કપૂર, કેટરિના કૈફ, અનન્યા પાંડે, અક્ષય કુમાર, જ્હોન અબ્રાહમ, કરણ જોહર, વરુણ ધવન-નતાશા દલાલ, નીતુ કપુર, અરમાન જૈન, સચીન તેંડુલકર અને અંજલિ, ગાયિકા શ્રેયા ઘોષાલ, આમીર ખાનની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ, ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હીરાણી જેવી સેલિબ્રિટીનો સમાવેશ થતો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter