અભિનંદનની અટકાયતના ૬૦ કલાક... પાક. વિદેશપ્રધાનના પગ ધ્રૂજતા હતા

Wednesday 24th November 2021 05:17 EST
 
 

નવી દિલ્હીઃ ભારતીય હવાઈ દળના ગ્રૂપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે અપૂર્વ વીરતા દર્શાવવા બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે વીરચક્ર એનાયત કર્યો છે. આ મહિનાની શરૂઆતમાં અભિનંદનને પ્રમોશન આપી ગ્રૂપ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
અભિનંદન વર્ધમાનને આ સન્માન એટલા માટે આપવામાં આવ્યું છે કે બાલાકોટ એરસ્ટ્રાઈકમાં અપૂર્વ વીરતા દર્શાવતા પોતાના જાનની પરવા કર્યા વગર પોતાના મિગ-૨૧ બાઈસન વિમાનને પાકિસ્તાની સીમામાં લઈ જઈને એફ-૧૬ વિમાનને તોડી પાડયું હતું. પછીથી અભિનંદનનું વિમાન પાકિસ્તાની સરહદમાં ક્રેશ થઈ ગયું હતું. પાકિસ્તાનના લશ્કરે અભિનંદનને કેદ કરી લીધા. ભારત સરકારે એવું પ્રચંડ દબાણ ઊભું કર્યું કે ૬૦ કલાક પછી પાકિસ્તાને અભિનંદનને અટારી-વાઘા બોર્ડરથી પાછા મોકલવા પડયા હતા.
તેને છોડી દઈએ નહીં તો...: કુરેશી
પાકિસ્તાનના પીએમએલ (એન)ના સંસદસભ્ય અયાઝ સાદિકે એ ૬૦ કલાકની વિગતો આપતા ગયા વર્ષે ઓક્ટોબરમાં ખુલાસો કર્યો હતો કે વિદેશપ્રધાન એસ. એમ. કુરેશીએ પીપીપી, પીએમએલ (એન), સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સહિત તમામ સંસદીય નેતાઓની બેઠક બોલાવી હતી. તેમાં પરસેવે નીતરતા અને ધ્રૂજતા કુરેશીએ બધાને વિનંતિ કરી હતી કે તેને (અભિનંદનને) છોડી દઈએ, નહિતર રાત્રે ૯ વાગ્યા સુધી ભારત હુમલો કરી દેશે. એ વખતે વડા પ્રધાન ઈમરાન ખાને તો બેઠકમાં હાજર રહેવાની જ ના પાડી દીધી હતી.
આતંકી કેમ્પનો સફાયો કર્યો હતો
ભારતે ફેબ્રુઆરી ૨૦૧૯ની ૨૬-૨૭ તારીખની વચ્ચેની રાત્રે બાલાકોટમાં આવેલા આતંકવાદી કેમ્પ ઉપર એરસ્ટ્રાઈક કરી કેમ્પનો સફાયો કર્યો હતો. જવાબમાં ખળભળી ગયેલા પાકિસ્તાને ફાઈટર જેટ મોકલ્યા હતા. ત્યારે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને મિગ-૨૧ બાયસન લઈ સામનો કર્યો હતો. પાછા ભાગતા પાકિસ્તાની વિમાનનો પીછો કરતાં એમની હવાઈ સરહદમાં ઘૂસી F-૧૬ તોડી પાડયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter