અમિત શાહ ભાજપના પ્રમુખપદે યથાવત્ઃ નડ્ડા કાર્યકારી અધ્યક્ષ

Thursday 20th June 2019 08:14 EDT
 

નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા જગત પ્રકાશ નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જાહેર કરાયા છે. સોમવારે સાંજે મળેલી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નડ્ડાને પક્ષનાં કાર્યકારી પ્રમુખ બનાવા સર્વસંમતિ સધાઈ હતી. અલબત્ત, ૪ રાજ્યો મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આગામી ૬ મહિના સુધી અમિત શાહ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ પદે ચાલુ રહેશે. મોદી સરકારનાં પહેલા કાર્યકાળમાં નડ્ડાએ કેબિનેટમાં આરોગ્ય પ્રધાન તરીકે ફરજ બજાવી હતી. આ વખતે જ્યારે તેમને કેન્દ્રિય પ્રધાનમંડળમાં સામેલ કરાયા નહીં ત્યારે જ તેમને પક્ષનાં કાર્યકારી પ્રમુખનો હવાલો સોંપાશે તેવી અટકળો વહેતી થઈ હતી. તેમને પક્ષ કે સંગઠનમાં મોટી જવાબદારી સોંપવાનો તખતો ઘણા સમય પહેલાં જ ઘડાઈ ગયો હતો. પહેલેથી જ લો પ્રોફાઈલ રહેતા નડ્ડા કાર્યકારી અધ્યક્ષ તરીકે શાહનાં એજન્ડાને આગળ ધપાવશે અને ચૂંટણીઓમાં ભાજપની વિજય કૂચ ચાલુ રાખશે તેવી આશા છે.

રોજબરોજની કામગીરી સંભાળશે

શાહના માર્ગદર્શનમાં જે.પી નડ્ડા પાર્ટીની રોજબરોજની કામગારી સંભાળશે. નડ્ડાને પક્ષનાં કાર્યકારી પ્રમુખ બનાવવાની જાહેરાત ભાજપનાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કરી હતી ઉલ્લેખનીય છે કે ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા પછી અમિત શાહે જ પણ પ્રમુખની જવાબદારી અન્ય કોઈને સોંપવાની રજૂઆત કરી હતી.

જે.પી. નડ્ડાનો પરિચય

નડ્ડા હિમાચલ પ્રદેશના બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. તેઓ આરએસએસના ચુસ્ત કાર્યકર છે. પક્ષનાં ટોચના નેતાઓનાં વિશ્વાસુ છે. સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. ૫૮ વર્ષના નડ્ડા ભાજપ સંસદીય બોર્ડના સભ્ય છે. તેઓ ચૂંટણી વ્યૂહમાં પારવધા છે. તાજેતરની ચૂંટણીમાં તેમને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેમણે લોકસભાની ૮૦માંથી ૬૨ સીટ ઉપર વિજય અપાવ્યો હતો. પટનાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યા પછી તેમણે બીએ અને એલએલબીનો અભ્યાસ કર્યો હતો. તેઓ હિમાચલ વિધાનસભામાં ૩ વખત ચૂંટાયા હતા અને ૨૦૧૪માં સાસંદ ચુંટાયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter