ઉત્તરાખંડના ૨૦૦ ગામોમાં કારતકની અમાસે ઉજવાય છે દિવાળી

Thursday 07th November 2019 06:59 EST
 

દેહરાદૂનઃ હિમાચલ પ્રદેશના જોનસાર અને બાબર ક્ષેત્રના કેટલાક આદિવાસી ગામોમાં દિવાળીનો તહેવાર એક મહિના પછી કારતક મહિનાની અમાસે મનાવવામાં આવે છે. જેને સ્થાનિક લોકો ઘરડી દિવાળી કહે છે. નવાઈની વાત તો એ છે કે આખો દેશ જ્યારે દિવાળી ઉજવે છે ત્યારે આ વિસ્તારમાં કોઇ જ તહેવાર હોતો નથી. આ વિસ્તારના મોટા ભાગના લોકોનું માનવું છે કે જ્યારે રામ લંકાથી પાછા ફર્યા ત્યારે તેની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દિવા પ્રગટાવીને પહેલીવાર દિવાળી મનાવી હતી. રામે રાવણનો વધ કર્યો તથા ચૌદ વર્ષનો વનવાસ પૂરો કર્યો એ પછી અયોધ્યા આવ્યા તે વાતની અહીંના લોકોને એક મહિનો મોડી ખબર પડી હતી. આથી દિવાળી એક મહિના પછી ઊજવાય છે. દાયકાઓ પછી પણ સમય અને સંજોગો બદલાયા તેમ છતાં આ વિસ્તારના ૨૦૦થી પણ વધુ ગામોમાં બુઢ્ઢી દિવાળી ઊજવાય છે.

નવાઈની વાત એ છે કે વિશિષ્ટ પ્રકારની દિવાળીમાં ફટાકડા ફોડવાના સ્થાને લોકો અગ્નિ પ્રગટાવીને તેના ઝાંખા અજવાળાં ઢોલ-નગારા સાથે નાચગાન કરે છે. જોનસાર ઉપરાંત કાંડોઈ, બોદૂર અને કાંડોઈ ભરમ વિસ્તારના ૫૦થી વધુ ગામો પણ બુઢ્ઢી દિવાળી ઉજવે છે. બહારની દુનિયાના સંપર્કમાં આવેલા લોકો નવી દિવાળી ઉજવવા માટે આ વિસ્તારના ગામોને સમજાવે છે તેમ છતાં પરંપરા બદલાતી ન હોવાથી બહાર નોકરી-વ્યવસાય કરતા લોકોને મુશ્કેલી ઊભી થાય છે. કારણ કે નોકરી તથા વ્યવસાય કરતા લોકો ખરેખરી દિવાળીના ટાઈમે ઘરે આવી શકતા નથી. જ્યારે આ વિસ્તારના લોકો દિવાળી ઊજવતા હોય ત્યારે નોકરી કરનારાઓને રજા પણ મળતી નથી. આથી હણોલ, રાયગી, મેદ્રથ, હેડસુ સહિતના કેટલાક ગામોમાં આસો સુદ અમાસના કેલેન્ડર મુજબ દિવાળી ઉજવતા થયા છે તેમ છતાં મોટો વર્ગ આજે પણ કારતક માસની અમાસે દિવાળી ઉજવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter