એચડીઆઈએલના માલિકો દ્વારા કરોડોના ફ્લેટ નેતાઓને ગિફ્ટ

Wednesday 09th October 2019 08:35 EDT
 

મુંબઇઃ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકના રૂ. ૪૩૫૫ કરોડના ફ્રોડના કેસમાં ઇડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધી મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં ૬ સ્થળ પર દરોડા પાડયા હતા. આ જ કેસમાં હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (એચડીઆઈએલ)ના ડિરેક્ટરો રાકેશ વાધવાન અને તેમના પુત્ર સારંગ વાધવાનની ધરપકડ કરી હતી. મુંબઇ પોલીસે વાધવાન પિતા-પુત્રની રૂ. ૩૫૦૦ કરોડની સંપત્તિ ફ્રિઝ કરી દીધી હતી. રાકેશ વાધવાન, સારંગ વાધવાન, પીએમસી બેંકના એમડી જોય થોમસ અને ચેરમેન વર્યામ સિંહ સામે પહેલાં એફઆઇઆર દાખલ કરાઇ હતી. એફઆઇઆરમાં જે કંપનીઓ દ્વારા કથિત ફંડ ડાયવર્ટ કરાયું હતું તેમની સામે પણ કેસ નોંધાયો હતો. ધરપકડ કરાયેલા વાધવાન પિતા પુત્ર પર આઇપીસીની ચિટિંગ, ક્રિમિનલ કોન્સ્પિરન્સી અને વિશ્વાસનું અપરાધિક ઉલ્લંઘન કરવાના આરોપ મુકાયાં છે. ઉલ્લેખનીય છે કે પીએમસી બેંકમાં ૨૧,૦૪૯ બનાવટી ખાતાં ખોલાયાં હતાં અને મૃતકોનાં નામે પણ ખાતાં ખોલી દેવાયાં હોવાના અહેવાલ છે!
ઈડીએ એચડીઆઈએલના માલિકો રાકેશ વાધવાન અને સારંગ વાધવાનના પ્રાઈવેટ જેટ, ગાડીઓ અને ઘણા દસ્તાવેજો કબજે કર્યા હતા. આ દસ્તાવેજોની તપાસમાં બહાર આવ્યું કે, એચડીઆઈએલના માલિકો દ્વારા મહારાષ્ટ્રના ઘણા પોશ વિસ્તારોમાં નેતાઓ અને પ્રધાનોને વિવિધ ફ્લેટ અને મકાનો આપવામાં આવ્યા હતા. તેમણે કરોડોની કિંમતના મકાનો નેતાઓને ગિફ્ટમાં આપી દીધા હતા. કયા નેતાઓ અને પ્રધાનોને આ મકાનો અપાયા છે તે મુદ્દે હજી ઈડીએ મૌન ધારણ કરેલું છે.
બીજી તરફ અલિબાગમાંથી ઈડીને ૨૨ રૂમ ધરાવતું મકાન મળી આવ્યું છે. તેની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ મકાન ટાંચમાં લેવામાં આવશે તેવી પણ શક્યતા છે. આ ઉપરાંત એચડીઆઈએલના પ્રમોટર્સનું પ્લેન પણ ટાંચમાં લેવાયું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter