એમેઝોન ભારતમાં ધર્માંતરણ માટે ફંડિંગ કરે છેઃ સંઘના મેગેઝિનમાં આરોપ

Wednesday 23rd November 2022 06:25 EST
 
 

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા મેગેઝિન ‘ધ ઓર્ગેનાઇઝેર’એ પોતાના નવા અંકમાં એક કવર સ્ટોરી પ્રકાશિત કરી છે, જેમાં વિશ્વની દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એેમેઝોન પર પૂર્વોત્તર ભારતમાં ધર્માંતરણ માટે ફંડિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. ‘એમેઝિંગ ક્રોસ કનેક્શન’ શીર્ષક સાથેની આ કવર સ્ટોરીમાં આરોપ લગાવ્યો છે કે કંપનીના બેપ્ટિસ્ટ ચર્ચ નામના એક સંગઠન સાથે નાણાકીય સંબંધ છે, જેની સામે ધર્માંતરણ મોડયૂલ ચલાવવાનો ગંભીર આરોપ છે. એમેઝોને આ ચર્ચને ઘણા પ્રસંગોએ ફંડ આપ્યું છે.
મેગેઝિનમાં જાવાયું છે કે એમેઝોન ખ્રિસ્તી ધર્માંતરણ મોડયૂલ માટે અમેરિકન બેપ્ટિસ્ટ ચર્ચને નાણાકીય મદદ કરે છે. આ ચર્ચ એમેઝોન ઉપરાંત ઘણી અન્ય બહુરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી પણ મની લોન્ડરિંગ મારફત ફંડિંગ મેળવે છે. મેગેઝિને સાથે જ કહ્યું હતું કે ચર્ચ ભારતમાં અખિલ ભારતીય મિશન (એઆઇએમ) નામે એક મોરચો ચલાવતું હતું. જે તેમનું ફ્રન્ટલ સંગઠન છે જેણે પોતાની વેબસાઇટ પર ખુલ્લેઆમ દાવો કર્યો હતો કે તેમણે પૂર્વોત્તર ભારતમાં 25 હજાર લોકોને ધર્માંતરિત કરીને ખ્રિસ્તી બનાવ્યા છે.

એમેઝોનનો ઇન્કાર
અહેવાલો અનુસાર એમેઝોને આ ગંભીર આરોપોને ફગાવી દીધા છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે એમેઝોન ઇન્ડિયાના અખિલ ભારતીય મિશન અથવા તેના સહયોગીઓ સાથે કોઇ સંબંધ નથી અને ના તો એમેઝોન સ્માઇલ પ્રોગ્રામ એમેઝોન ઇન્ડિયા માર્કેટપ્લેસ પર સંચાલિત થાય છે.

NCPCRએ પણ મુદ્દો ધ્યાનમાં લીધો
ઓર્ગેનાઇઝરે દાવો કર્યો હતો કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR)એ પણ સપ્ટેમ્બરમાં મેગેઝિનના એક રિપોર્ટ બાદ આ મુદ્દાને ધ્યાનમાં લીધો છે. કમિશનના પ્રમુખ પ્રિયાંક કાનૂનગોએ કહ્યું હતું કે પંચે સપ્ટેમ્બરમાં અરુણાચલ પ્રદેશના અનાથાશ્રામોના માધ્યમથી ગેરકાયદે રીતે કરાતા ધર્માંતરણ અને કથિત રીતે તેને એમેઝોન દ્વારા નાણાંકીય સમર્થન અપાતું હોવાની ફરિયાદ મળી હતી. અમે તરત જ મામલો હાથ પર લીધો હતો અને સપ્ટેમ્બરમાં જ એમેઝોનને નોટીસ ફટકારી હતી. જોકે એમેઝોને તેનો કોઇ જવાબ આપ્યો નહોતો. આ પછી ઓક્ટોબરમાં ફરી સમન અપાયું હતું અને એક નવેમ્બરે કમિશન ઓફિસમાં એમેઝોન ઇન્ડિયાના ત્રણ અધિકારીઓને મળ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter