ઓગસ્ટા કેસમાં મેં કોઈનાં નામ નથી આપ્યાઃ મિશેલ

Wednesday 10th April 2019 08:30 EDT
 

નવી દિલ્હીઃ વીવીઆઈપી હેલિકોપ્ટર કેસની પૂછપરછમાં કોઈના નામ આપ્યા ન હોવાનું નિવેદન આરોપી મિશેલે પાંચમીએ કોર્ટમાં કર્યું હતું. તપાસ એજન્સી ઈડીએ ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે તેણે ટૂંકા નામ જણાવ્યા હતા, પરંતુ મિશેલે એ વાત અસત્ય હોવાનો કોર્ટમાં દાવો કર્યો હતો. બીજી બાજુ વડા પ્રધાન મોદીએ પાંચમીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઓગસ્ટા વેસ્ટલેન્ડ મુદ્દે વિપક્ષને ઘેર્યો હતો. ઓગસ્ટા વેસ્ટલેન્ડ
ચોપર કૌભાંડની તપાસ ઈડી કરી રહી છે.
મોદીના પ્રહાર
મોદીએ કહ્યું કે, ઈડીએ ચાર્જશીટમાં એપી અને ફેમ એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. આરોપી મિશેલે આ નામો કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું કહ્યું છે અને ઈડીએ તો એપી એટલે અહેમદ પટેલ એવું પણ ચાર્જશીટમાં કહ્યું છે. હવે તમે જ કહો અહેમદ પટેલ ક્યા પરિવાર સાથે સંકળાયેલા છે?
અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના કૌભાંડ બાબતે તપાસ ચાલી રહી છે. ઈડીએ વચેટિયા મિશેલની પૂછપરછ કરીને કોર્ટમાં ચાર્જશિટ દાખલ કરી હતી. ચાર્જશિટમાં દાવો થયો હતો કે મિશેલે એપી, એફએએમ (ફેમ) જેવા શબ્દોનો ઉપયોગ થયો હતો. આ મુદ્દે ભાજપે કોંગ્રેસને નિશાન બનાવી હતી. જોકે મિશેલે દાવો કર્યો હતો કે તેણે પૂછપરછમાં કોઈના નામ કહ્યા નથી. મિશેલે તપાસ એજન્સી અને વર્તમાન સરકાર સમક્ષ આરોપ લગાવતા કહ્યું હતું કે વર્તમાન સરકાર તપાસ એજન્સીનો રાજકીય ઉપયોગ કરીને વિપક્ષી નેતાઓના નામ બોલાવવાનું દબાણ કરે છે.
આરજી એટલે રજત ગુપ્તા?
ઈડીએ કહ્યું હતું કે આરોપી સુશેન ગુપ્તાની પૂછપરછ દરમિયાન અને તેની ડાયરીમાં સતત આરજીનો ઉલ્લેખ હતો. તે સંદર્ભમાં તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે સહકાર આપ્યો ન હતો. ઈડીએ કોર્ટને કહ્યું હતું કે આરજી નામનું ફૂલફોર્મ જાણવા માટે સુશેન ગુપ્તાની કસ્ટડી આપવાની પરવાનગી આપવામાં આવે. સુશન ગુપ્તાએ આરજીનો મતલબ રજત ગુપ્તા જણાવ્યું હોવાનો દાવો થયો હતો. એ પછી ઈડીએ રજત ગુપ્તાની પૂછપરછ કરી હતી, પણ રજત ગુપ્તાએ કહ્યું હતું કે સુશેન ગુપ્તા જ નામનો ખરો અર્થ જણાવી શકે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter