કઠુઆ ગેંગરેપ-હત્યા કેસમાં ત્રણને આજીવન કેદ

Wednesday 12th June 2019 07:11 EDT
 

પઠાણકોટઃ જાન્યુઆરી, ૨૦૧૮માં જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની બાળકી પર ચાર દિવસ સુધી ગેંગરેપ બાદ તેની હત્યા કરવાના કેસમાં પઠાણકોટની વિશેષ અદાલતે ૭ પૈકી ૬ આરોપીઓને દોષિત ઠરાવ્યા છે અને એકને છોડી મુકાયો છે. ૬ પૈકી એક પોલીસ અધિકારી સહિત ત્રણ આરોપીને આજીવન કારાવાસની સજા કરાઈ છે. અન્ય ત્રણ પોલીસકર્મીઓને પાંચ-પાંચ વર્ષની સજા થઈ છે. સ્પેશિયલ કોર્ટે ત્રણ આરોપીઓને બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત ગણ્યા છે અને બાકીના ત્રણને પુરાવા નષ્ટ કરવાના ગુનામાં દોષિત માન્યા છે. આ કેસમાં ૧૭ મહિના બાદ ચુકાદો આવ્યો છે. કઠુઆથી ૩૦ કિલોમીટર દૂર પંજાબ પટાણકોટમાં ૨૦૧૮ના જૂન મહિનાથી રોજ આ કેસની સુનાવણી થઈ હતી અને આ વિશેષ કોર્ટના જજ તેજવિંદરસિંહે ચુકાદો આપ્યો હતો.
આ કેસના મુખ્ય આરોપી અને ષડયંત્ર રચનારા માંઝી રામ, પરવેશકુમાર અને પોલીસ અધિકારી દીપક ખજૂરિયાને કલમ ૩૦૨ હત્યા, ૩૭૬ બળાત્કાર, ૧૨૦ બી (ષડયંત્ર રચવું) અને ૩૬૩ (અપહરણ) હેઠળ દોષિત ગણાયા છે. તેમને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે અને રૂ. એક-એક લાખનો દંડ થયો છે.
પોલીસકર્મીઓ આનંદ દત્તા, સુરેન્દ્રકુમાર વર્મા અને તિલક રાજને કલમ ૨૦૧ (પુરાવા નષ્ટ કરવા) હેઠળ દોષિત ઠેરવાયા છે. તેમને પાંચ પાંચ વર્ષની સજા કરાઈ છે અને ત્રણેયને રૂ. ૫૦,૦૦૦નો દંડ થયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter