કાશ્મીરમાં આતંકીઓ દ્વારા ફરી પોલીસ જવાનની હત્યા

Wednesday 11th July 2018 09:37 EDT
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સેનાનાં ઓપરેશન ઓલઆઉટથી ફફડી ઊઠેલા આતંકવાદીઓએ હવે એકલદોકલ જવાનોને લક્ષ્યાંક બનાવવાનો પ્રારંભ કર્યો છે. ગયા મહિને સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ અને હત્યા કર્યા બાદ પાંચમીએ હિઝબુલના આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ જાવિદ એહમદ દારનું અપહરણ કર્યું હતું. છઠ્ઠીએ સવારે જાવિદનો ગોળીઓથી વીંધાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના વેહિલ ગામનાં નિવાસસ્થાનની બહારથી જાવિદનું કેટલાક આતંકીઓ દ્વારા પાંચમીએ રાત્રે ૯.૩૦ કલાકે અપહરણ કરાયું હતું. પોલીસને જાણ થતાં સુરક્ષાદળોએ જાવિદને શોધી કાઢવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન કુલગામ જિલ્લાનાં પારિવાન ગામ નજીકથી જાવિદ દારનો ગોળીઓથી વીંધાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જાવિદ દારનાં અપહરણ અને હત્યાની જવાબદારી હિઝબુલ મુજાહિદ્દીને લીધી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter