કાશ્મીરમાં જૈશના ૪ આતંકી ઠાર

Wednesday 12th June 2019 07:18 EDT
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે સાતમીએ મોડી રાત્રે સર્જાયેલી અથડામણમાં જૈશે મહંમદના ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હતા. આ ચાર આતંકીઓમાં જમ્મુ-કાશ્મીર પોલીસના બે એસપીઓનો પણ સમાવેશ થાય છે. બંને એસપીઓ સાતમીએ સાંજે સર્વિસ રાઈફલ સાથે ફરાર થયા હતા. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલભાગસિંહે જણાવ્યું હતું કે, બંને રાઇફલ સાથે ફરાર થયા બાદ પુલવામાના લસ્સીપોરા વિસ્તારના પાંજરણ ખાતે કેટલાક આતંકવાદી સંતાયા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીરની સંયુક્ત ટુકડીઓએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે સાતમીએ જમ્મુ-કાશ્મીરમાંથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના છ જાસૂસોની પણ ધરપકડ કરાઈ હતી. આ જાસૂસો આઈએસઆઈમાં કર્નલ લેવલનું પદ ધરાવતા હતા અને ડોડા, કઠુઆ, ઉધમપુરમાં સક્રિય હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter