કાશ્મીરમાં તમામ અલગતાવાદી નેતાની સુરક્ષા પાછી ખેંચાઈ

Monday 18th February 2019 06:02 EST
 
 

શ્રીનગરઃ પુલવામા હુમલા પછી સરકારે કાશ્મીરમાં સક્રિય અલગતાવાદી નેતાઓને સકંજામાં લીધા છે અને તેમને અપાતી સુરક્ષા પાછી ખેંચી લીધી છે. અત્યાર સુધી સરકારી ખર્ચે સુરક્ષા મેળવતા આ નેતાઓ એક તરફ પાકિસ્તાનને આતંક વકરાવવામાં મદદ કરતા હતા તો બીજી તરફ લોકોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવાનું કામ કરતા હતા. ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ૧૬ ફેબ્રુઆરીએ કાશ્મીર મુલાકાત વખતે જ અલગતાવાદી નેતાઓને પાક. અને આઇએસઆઇ દ્વારા પૈસા મળતા હોવાના આક્ષેપો કર્યા હતા અને આવા નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લેવાના સંકેતો આપ્યા હતા. આ નેતાઓ બેકાર યુવકોને પૈસા આપીને સુરક્ષા જવાનો પર પથ્થરમારો કરાવતા હતા અને કાશ્મીરમાં હિંસા ફેલાવતા હોવાનું જણાયું હતું.
પુલવામામાં સીઆરપીએફ કાફલા પર આતંકીઓ દ્વારા હુમલા પછી સરકારે અલગતાવાદીઓ સામે આકરું વલણ અપનાવ્યું છે. આ નેતાઓને કાશ્મીર પોલીસ દ્વારા સુરક્ષા અપાતી હતી અને તેની પાછળ વર્ષે રૂ. ૧૦ કરોડથી વધુ રકમનો ખર્ચ થતો હતો. આ લોકો સરકારના ખર્ચે જલસા કરીને દેશવિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાયું હતું. અલગતાવાદીઓ પાસે ૨૦૦ કરોડની પ્રોપર્ટી અને આઈપેડ ધરાવતા સહાયકો, ઘરમાં અખરોટનાં લોકડાનું મોંઘુંદાટ ફર્નિચર હોવાનું જણાયું હતું. સરકારે દૂધ પાઈને ઉછેરેલા આ સાપ ત્રાસવાદ વકરાવીને ભારતને જ ડંખ મારતા હતા.

આ પાંચ નેતાની સુરક્ષા રદ

ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન મીર વાયેઝ ઉમર ફારુક • શબ્બીર શાહ • હાશિમ કુરેશી • બિલાલ લોન • ફઝલ હક કુરેશી • અબદુલ ગની બટ • સજ્જાદ લોન • બિલાલ લોન અને તેની બહેન શબનમ • આગા હસન • મૌલાના અબ્બાસ અન્સારી

અલગતાવાદીની નફ્ફટાઈ

સરકારે અલગતાવાદી નેતાઓની સુરક્ષા અને સુવિધા પાછી ખેંચ્યા પછી નફ્ફટાઈ દર્શાવી હતી. મીર વાયેઝ ફારુકની હુર્રિયત કોન્ફરન્સે કહ્યું હતું કે, સરકારે જાતે જ નેતાઓને સુરક્ષા અને સુવિધા આપી હતી, જેની અમે ક્યારેય માગણી કરી ન હતી. અબદુલ ગની બટે કહ્યું હતું કે, સરકાર દ્વારા અપાતી સુરક્ષાની અમને કોઈ જરૂર નથી. અમારી સુરક્ષા તો કાશ્મીરના યુવકો કરી રહ્યા છે. તેમણે ભારત-પાક. વચ્ચે યુદ્ધની શક્યતા વ્યક્ત કરી હતી. સરકારી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, છ અલગતાવાદી નેતાઓ ઉપરાંત અન્ય અલગતાવાદીઓને કોઈ પણ પ્રકારની સુરક્ષા અપાશે નહીં. આ લોકો અત્યાર સુધી સરકારના પૈસા તાગડધિન્ના કરતા હતા અને સરકારી વાહનોમાં ફરીને જલસા કરતા હતા. રવિવાર સાંજથી સરકારી આદેશ લાગુ થઇ ગયો છે અને તેમને અપાયેલી સુરક્ષા અને વાહનો હટાવી લેવામાં આવ્યાં હતાં.

કરોડોના માલિક છે અલગતાવાદી!

કાશ્મીરના અલગતાવાદી નેતાઓ પાસે આશરે રૂ. ૨૦૦ કરોડથી વધુની સંપત્તિ છે. ૧૯૯૦માં રેંકડી ચલાવીને ગુજરાન ચલાવતો યાસિન મલિક શ્રીનગરમાં અઢળક સંપત્તિનો માલિક છે. લાલ ચોકમાં તેની મોટાભાગની સંપત્તિ આવેલી છે, જેની કિંમત રૂ. ૧૫૦ કરોડથી વધુ છે. જેમાં સ્કૂલ, હોટેલ, મકાન અને પ્લોટનો સમાવેશ થાય છે. તેની રેસિડન્સી હોટેલની કિંમત રૂ. ૨૦થી ૪૦ કરોડ છે. હુર્રિયત નેતા શબ્બીર શાહ પાસે ૧૯થી વધુ સંપત્તિ છે જેમાં પહેલગામમાં આવેલી હોટેલની કિંમત રૂ. ૫ કરોડથી વધુ છે, જેમાં હોટેલ, પ્લોટ અને દુકાનો સામેલ છે. સૈયદ અલી શાહ ગિલાની પણ કરોડોની સંપત્તિ ધરાવે છે. તેનાં ઘરમાં ૬થી વધુ નોકરો છે. મીર વાયેઝ ફારુક પાસે ૧૮થી ૨૦ કાશ્મીરી યુવકોનો સ્ટાફ છે, જે આઈપેડ અને આઈફોનથી સજ્જ છે. તેનાં ઘરનું ફર્નિચર અખરોટનાં લાકડામાંથી બનાવેલું છે. છત પર નકશીકામ છે. એક આતંકીએ આપેલી માહિતી મુજબ અલગતાવાદી નેતાઓ તેમનાં સગાઓનાં નામે કાશ્મીરમાં કરોડોની જમીન ખરીદતા હતા. કેટલાક નેતાઓે આ જમીન પર હોટેલ કે બંગલાને બદલે સફરજન અને અખરોટની ખેતી કરાવતા જેથી સરકારની નજરમાં આવી શકે નહીં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter