કોણ હતા મુસ્લિમ રાજ્યના હિંદુ શાસક મહારાજા હરિ સિંહ?

Wednesday 07th August 2019 06:31 EDT
 
 

ક્યારેક મુસ્લિમ બહુલ આ રાજ્યમાં રાજા હરિ સિંહનું રાજ હતું. તેઓ આ રાજ્યને પાકિસ્તાન અને ભારતથી અલગ દેશ બનાવવા ઇચ્છતા હતા, પરંતુ સંજોગો બદલાયા અને એમને કાશ્મીરનો હવાલો ભારતને સોંપવો પડ્યો. ઇતિહાસના આ પાના પર નજર નાંખીએ.
મહારાજા હરિ સિંહે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પહેલા ‘સ્ટેન્ડસ્ટિલ’ રહેવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતનો અર્થ હતો કે એ ભારત અથવા પાકિસ્તાન કોઇનો ભાગ બનશે નહીં, એ રાજ્યને એક સ્વતંત્ર દેશ જાહેર કરવાની યોજના બનાવી રહ્યા હતા. તો બીજી બાજુ પાકિસ્તાન કાશ્મીર પર દબાણ બનાવવા લાગ્યો હતો.
બીજી તરફ ભારતના તત્કાલીન ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલે લોર્ડ માઉન્ટબેટનને એટલે સુધી કહ્યું કે જો કાશ્મીર પાકિસ્તાન સાથે ભળવા ઇચ્છે છે તો એમને કોઇ સમસ્યા નથી. તેમ છતાં મહારાજા હરિ સિંહ નિર્ણય લઇ શકતા નહોતા અને તણાવ વધતો જતો હતો. કબાઇલીઓની આડમાં પાકિસ્તાની સૈન્ય હુમલા પછી મહારાજ હરિ સિંહ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુને મળ્યા હતા.
આ વાતચીત દરમિયાન તેમણે વિલયપત્ર (ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન) પર હસ્તાક્ષર કરી દીધા હતા. અને આ રીતે કાશ્મીરની સુરક્ષાનો હવાલો ભારતને સોંપવામાં આવ્યો હતો.

તો આખું કાશ્મીર ભારતનો હિસ્સો હોત

ગૃહ પ્રધાન તરીકે સરદાર પટેલે કાશ્મીર મુદ્દાને ઉકેલવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. સરદાર પટેલ કહેતા હતા કે જો નેહરુ અને ગોપાલસ્વામી આયંગરે કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ ન કર્યો હોત તો તેઓ હૈદરાબાદની જેમ કાશ્મીર મુદ્દો પણ સહેલાઈથી ઉકેલી ચૂક્યા હતા. કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે સરદાર પટેલે પૂરી તાકાત લગાડી દીધી હતી. સરદારને ખાતરી હતી કે જો તેમને છૂટ મળી હોત તો ચોક્કસપણે અખંડ કાશ્મીર ભારતનો હિસ્સો હોત.
નેહરુએ કાશ્મીર મુદ્દાને પોતાના હાથમાં લીધો અને ગૃહ મંત્રલાયને આમાંથી દૂર રહેવા જણાવી દીધું હતું. સરદાર પટેલ કોઈ પણ ભોગે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના પક્ષમાં નહોતા. જોકે અંતે સરદાર પટેલે નેહરુના આગ્રહ આગળ પોતાના હથિયાર હેઠા મૂકવા પડ્યા હતા. અને નેહરુએ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપી દીધો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter