ચંદ્રયાન-૨ મિશનઃ છેલ્લી ઘડીએ સફળતા વેંત છેટી રહી ગઇ

Saturday 07th September 2019 07:54 EDT
 
 

નવી દિલ્હીઃ સમગ્ર ભારત જેની આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું તે ક્ષણ સાકાર થવામાં હાથવેંતનું છેટું રહી ગયું છે. ચંદ્રયાન-૨ના ભાગરૂપે અંતરિક્ષમાં પહોંચેલા લેન્ડર ‘વિક્રમ’એ શુક્રવારની મધરાતે ૧.૪૦ કલાકે ચંદ્ર ભણી પ્રવાસ શરૂ કર્યો હતો. છેવટ સુધી બધું પૂર્વનિર્ધારિત આયોજન મુજબ ચાલી રહ્યું હતું. જોકે લેન્ડર અને ચંદ્ર વચ્ચે માત્ર બે કિલોમીટરનું અંતર હતું ત્યારે ઇસરોનો ‘વિક્રમ’ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ સાથે જ શરૂઆતના તમામ સફળ તબક્કાઓ અને કાઉન્ટડાઉન વખતે તાળીઓથી ગાજતા રહેલા માહેલમાં એકાએક ગમગીની અને શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઇસરોના ડિરેક્ટર કે. સિવન હતાશ ચહેરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગયા હતા અને તેમને ઘટનાક્રમ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ‘સર સોરી, ચંદ્રયાન-૨ સાથેનો આપણો સંપર્ક તૂટી ગયો છે. તમામ કોમ્યુનિકેશન નેટવર્ક ઠપ થઈ ગયું છે. અમે હવે ડેટા એનાલિસીસ કરી રહ્યાં છીએ કે ક્યાં ત્રુટિ રહી ગઈ છે.’ આ પ્રસંગે સૌના ચહેરા ઢીલા થઈ ગયા હતા. એક તબક્કે વડા પ્રધાને ઇસરોના મુખ્ય ખંડમાંથી વિદાય લીધી હતી અને બાજુના કોન્ફરન્સ રૂમમાં જઈને દસેક મિનિટ સુધી સિનિયર સલાહકારો સાથે મસલતો કરી હતી.
ત્યાર બાદ વડા પ્રધાન મોદી ફરી ઇસરોના કન્ટ્રોલ રૂમમાં આવ્યા હતા અને વિજ્ઞાનીઓને ટૂંકું સંબોધન કરતાં કહ્યું હતું કે, કોઈએ નિરાશ થવાની જરૂર નથી. દેશ તમામ વિજ્ઞાનીઓ પર ગર્વ કરે છે. તમે સહુએ સખત પરિશ્રમથી આ મિશનને સફળ બનાવવા સંપૂર્ણ પ્રયત્નો કર્યા હતા અને આ સફળતા કે નિષ્ફળતામાંથી પણ ઘણું બધું શીખવાનું છે. અંતરિક્ષની આપણી યાત્રા જારી રહેશે. આપ સહુ વિજ્ઞાનીઓના પુરુષાર્થને રાષ્ટ્ર વંદન કરે છે. હું તમારી સાથે છું. આટલું કહીને વડા પ્રધાન મોદીએ ઇસરોના ડિરેક્ટરની પીઠ થપથપાવી હતી અને તમામ વિજ્ઞાનીઓને વંદન કરીને વિદાય લીધી હતી.
વડા પ્રધાનના આશ્વાસનને વિજ્ઞાનીઓએ તાળીઓથી વધાવી લીધું હતું. ત્યાર બાદ સમગ્ર દેશ અને ભુટાનથી આવેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને પૂછયું હતું કે, તમે તમારી સ્કૂલમાં જઈને શું સંદેશો આપશો? એક વિદ્યાર્થિનીએ વડા પ્રધાનને કહ્યું હતું કે, સર, હમારા મિશન સક્સેસફુલ હોનેવાલા થા, લેકિન... મોદીએ તરત જ એ વિદ્યાર્થિનીને કહ્યું કે, જીવનમેં કભી ભી નિરાશા કો અપને મસ્તિષ્ક મેં મત ઘુસને દો. હમેં ઈસ ઘટનાક્રમ સે ભી કાફી શીખના ચાહિયે.

ઉલ્લેખનીય છે કે ચંદ્ર ઉપર અત્યાર સુધી ૨૯ યાન વિવિધ મિશન માટે ગયા છે. મોટા ભાગના ચંદ્રની આસપાસ પરિભ્રમણ કરતા હતા જ્યારે ચંદ્રની ધરતી ઉપર ખૂબ જ ઓછા યાન ઊતર્યા છે. ઈસરોનું લક્ષ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ‘વિક્રમ’નું ઉતરાણ કરાવીને સંશોધનમાં મોખરાનું સ્થાન મેળવવાનો હતો. ચંદ્રયાન-૨ દુનિયાનું પહેલું યાન છે જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવના વણખેડાયેલા પ્રદેશ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું. આ યાને સંશોધનની નવી દિશાના શ્રીગણેશ કર્યા હતા. જોકે છેલ્લી ઘડીએ સફળતા છેટી રહી ગઈ.
૪૭ દિવસ પહેલા ભારતે દુનિયાના સૌથી સસ્તા અવકાશી અભિયાનને શરૂ કર્યું હતું. ૨૨ જુલાઈએ ચંદ્રયાન પોતાની અવકાશી યાત્રાએ નીકળ્યું હતું. પૃથ્વીના ચાર ચક્કર કાપીને તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. ૭ સપ્ટેમ્બરે વહેલી સવારે તેણે ચંદ્ર ઉપર ઉતરાણની પ્રક્રિયા શરૂ કરી હતી. પણ ૨.૧ કિલોમીટર અંતરે લેન્ડરનો સંપર્ક કપાતા અભિયાન હાલ પૂરતું અધૂરું રહ્યું હતું. અહીંયા બરફ અને પાણીની શક્યતાઓ ચકાસવા તથા માનવ વસવાટની શક્યતાઓ ચકાસવા માટે આ અભિયાન અત્યંત મહત્ત્વનું હતું. અવકાશમાં પણ રાજ કરી રહેલી મહાસત્તાઓએ ભારતની ક્ષમતાને સ્વિકારી હતી અને ભારતને વધાવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter