ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગના ૩૮ પ્રયાસ થયા, પરંતુ સફળ ૫૨ ટકા જ રહ્યા છે

Wednesday 11th September 2019 05:21 EDT
 
 

બેંગલૂરુઃ ચંદ્રને સ્પર્શવાનો પ્રથમ પ્રયાસ ૧૯૫૮માં અમેરિકા અને સોવિયેત સંઘ - રશિયાએ કર્યો. ૧૯૬૮માં ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે બંને દેશોએ ૪ પાયોનિયર ઓર્બિટર (અમેરિકા) અને ૩ લૂના ઇમ્પેક્ટ (સોવિયેત સંઘ) મોકલ્યા પણ તમામ નિષ્ફળ રહ્યા. અત્યાર સુધીમાં માત્ર ૬ દેશ કે એજન્સીએ ચંદ્ર પર સેટેલાઇટ યાન મોકલ્યાં છે, જેમાંથી માત્ર પાંચને સફળતા મળી છે. અત્યાર સુધીમાં આવા ૩૮ પ્રયાસ કરાયા, જેમાંથી ૫૨ ટકા જ સફળ રહ્યા છે.

રશિયા: ૧૭ વર્ષમાં કુલ ૨૪ પ્રયાસ કર્યા, ૧૫ જ સફળ રહ્યા

૧૯૫૯થી ૧૯૭૬ વચ્ચે સોવિયેત સંઘ રશિયાએ ૨૪ પ્રયાસ કર્યા, જેમાંથી ૧૫ સફળ રહ્યા. કોઇમાં ઓર્બિટર હતા તો કોઇમાં લેન્ડર. ૧૯૫૯ની ૧૩ સપ્ટેમ્બરે રશિયાનું લૂના-૨ મિશન ચંદ્ર પર પહોંચનારું પ્રથમ મિશન હતું. લૂના-૧૭ અને લૂના-૨૧ મિશને ચંદ્ર પર રોવર લેન્ડિંગમાં સફળતા મેળવી.

જાપાન: પહેલું મિશન નિષ્ફળ, ૧૭ વર્ષ બાદ સફળતા

જાપાને ૧૯૯૦ની ૨૪ જાન્યુઆરીએ પ્રથમ મૂન મિશન ‘હિતેન-હાગોરોમો’ લોન્ચ કર્યું. તે ઓર્બિટરથી ચંદ્રની કક્ષામાં પહોંચ્યાની થોડી વારમાં સંપર્ક તૂટી ગયો. જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીએ ૨૦૦૭ની ૪ સપ્ટેમ્બરે ‘કાગુયા’ લોન્ચ કર્યું, જે ૩ ઓક્ટોબરે ચંદ્રની કક્ષામાં પહોંચી ગયું.

અમેરિકા: ૧૯ મિશન મોકલ્યાં, ૧૬ સફળ

નાસાના સર્વેયર પ્રોગ્રામ અંતર્ગત જૂન ૧૯૬૬થી જાન્યુઆરી ૧૯૬૮માં ૭ રોબોટિક સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર મોકલાયાં. તેમાંથી ૫ સર્વેયર સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગમાં સફળ રહ્યાં. એપોલો મિશનમાં ફેબ્રુઆરી ૧૯૬૬થી ડિસેમ્બર ૧૯૭૨ દરમિયાન ૧૯ પ્રયાસ કરાયા, જેમાંથી ૧૬ સફળ રહ્યા. આ મિશનો દ્વારા ૨૪ અવકાશયાત્રી પણ ચંદ્ર પર પહોંચ્યા.

ચીન: ૪ મિશન મોકલ્યાં, તમામ સફળ
ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને મૂન મિશન ચેંગ સીરિઝમાં ૨૦૦૭થી અત્યાર સુધીમાં ૪ પ્રયાસ કર્યા, તમામ સફળ રહ્યા. ચેંગ-૧ અને ચેંગ-૧માં ઓર્બિટર મોકલાયાં અને ચેંગ-૩ અને ચેંગ-૪માં લેન્ડર હતાં. ચેંગ-૩ લેન્ડરે ચીનથી ૨૦૧૩ની ૧ ડિસેમ્બરે ઉડાન ભરીને ચંદ્ર પર ઉતર્યું.

ભારત: પહેલી વારમાં સફળતા, ૫મો દેશ બન્યો

ભારતનું ચંદ્રયાન-૧ (૧૩૮૦ કિલો) ૨૦૦૮ની ૨૨ ઓક્ટોબરે પીએસએલવી સી-૧૧ રોકેટ દ્વારા શ્રીહરિકોટાથી મોકલાયું. તેમાં કુલ ૧૧ ઉપકરણ હતાં. તેનો સમયગાળો ૨ વર્ષનો હતો પણ તે માત્ર ૧૦ મહિના ૬ દિવસ જ સક્રિય રહ્યું.

યુરોપિયન યુનિયન

યુરોપની યુરોપિયન સ્પેસ એજન્સીએ સ્માર્ટ-૧ ઓર્બિટર/ઇમ્પેક્ટ પ્રોબ ૨૦૦૩ની ૨૭ સપ્ટેમ્બરે લોન્ચ કર્યું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter