ચૂંટણી ઢંઢેરામાં ભાજપ અને કોંગ્રેસનો દૃષ્ટિકોણ

Thursday 11th April 2019 06:22 EDT
 

લોકસભા ચૂંટણી જંગના બે મુખ્ય પ્રતિસ્પર્ધી શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે તેમના ભાવિ આયોજનની રૂપરેખા દર્શાવતા ચૂંટણી ઢંઢેરા જાહેર કર્યા છે. રાષ્ટ્ર હિત  સાથે સંકળાયેલા કેટલાક મુદ્દે બન્નેના દૃષ્ટિકોણમાં આસમાન-જમીનનું અંતર જોવા મળે છે. જેમ કે...

રાષ્ટ્રીય સુરક્ષા

ભાજપઃ સંરક્ષણ સામગ્રીની ખરીદીમાં ઝડપી કાર્યવાહી. પોલીસ આધુનિકીકરણ પર ભાર. સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ લાગુ કરાશે. પાડોશી દેશોમાંથી આવેલા હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખોને તેમના દેશોમાં ધાર્મિક સતામણીના આધારે ભારતમાં નાગરિકતા અપાશે. જમ્મુ-કાશ્મીરથી કલમ ૩૭૦ અને ૩૫-એને હટાવવા પ્રતિબદ્ધ.
કોંગ્રેસઃ દેશને અખંડ રાખવા અને દેશવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા આકરાં પગલાં લેવાશે. આતંકવાદ અને ઘૂસણખોરી અટકાવવા, માઓવાદ સામે બાથ ભીડવા રણનીતિ બનાવશે. બીએસએફ, આઈટીબીપી અને આસામ રાઈફલ્સની તાકાત વધારાશે. કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ ૩૭૦ યથાવત્ રખાશે.

કૃષિ

ભાજપઃ કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે રૂ. ૨૫ લાખ કરોડનું રોકાણ કરાશે. દેશના તમામ ખેડૂતોને વડા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ. ખેડૂતોને વાર્ષિક રૂ. ૬૦૦૦ની મહત્તમ સહાય. ૬૦થી વધુ વયના લોકોને પેન્શન, એક લાખ સુધીના દેવા પર ૫ વર્ષ સુધી કોઈ વ્યાજ નહીં. માછીમારો માટે જળશક્તિ મંત્રાલય બનાવાશે.
કોંગ્રેસઃ ખેડૂતો માટે અલગ બજેટ લેવાશે. ખેડૂત બેન્કોનું દેવું ન ચૂકવી શકે તો ફોજદારી કેસ નહીં. રાહત પેકેજ અપાશે. ન્યાય સ્કીમ હેઠળ દેશના ૨૦ ટકા ગરીબોને વાર્ષિક રૂ. ૭૨,૦૦૦ ચૂકવાશે.

રોજગાર

ભાજપઃ ૨૨ મોટાં સેકટર્સમાં રોજગારના અવસરો ઊભા કરાશે. ઉદ્યોગ સાહસિકોને રૂ. ૫૦ લાખ સુધી કોલેટરેલ મુક્ત દેવા માટેની નવી યોજના. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન, મુદ્રા યોજનાનો લાભ ૩૦ કરોડ લોકોને.
કોંગ્રેસઃ સરકારી, ન્યાયતંત્ર અને સંસદના તમામ ચાર લાખ ખાલી જગ્યાને માર્ચ ૨૦૨૦ સુધીમાં ભરી દેવાશે. આ ઉપરાંત અન્ય ૨૦ લાખ જગ્યાઓ પર ભરતી કરાશે. મનરેગામાં કામના દિવસો ૧૦૦થી વધારી ૧૫૦ કરાશે.

શિક્ષણ

ભાજપઃ ૨૦૦ કેન્દ્રીય યુનિવર્સિટી અને નવોદય વિદ્યાલય-૨૦૨૪ સુધી એમબીબીએસ અને ખાસ ડોક્ટરોની સંખ્યા બમણી કરાશે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓને વિશ્વના ૫૦૦ શૈક્ષણિક સંસ્થાનોમાં સામેલ કરાશે.
કોંગ્રેસઃ જીડીપીનો છ ટકા દેશની શિક્ષણ વ્યવસ્થા પર ખર્ચ કરાશે. માળખાગત સવલતો પર ભાર મૂકાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter