છ વર્ષની બાળકીએ વડા પ્રધાન મોદીને હોમવર્કની ફરિયાદ કરી, અને કલાકોમાં પગલાં લેવાયા

Friday 11th June 2021 06:17 EDT
 
 

શ્રીનગર: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ છ વર્ષની એક બાળકીએ વીડિયો થકી ઓનલાઈન વર્ગમાં ભારે હોમવર્ક આપવાની ફરિયાદ કરી, ત્યારથી આ ક્યૂટ બાળકીના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. આ ફરિયાદ સોશિયલ મીડિયામાં ફરતી થયાના કલાકોમાં તો કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ જમ્મુ-કાશ્મીરમાં બાળકોને ભણવાનો ભાર ઓછા કરવાના ભાગરૂપે નીતિમાં ફેરફાર કરવા આદેશ કર્યા છે.
ટ્વિટર પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં બાળકીએ વડા પ્રધાનને શાળાના બાળકો પર હોમવર્કનો ભાર ઓછો કરવા વિનંતી કરી હતી. હકીકતમાં છ વર્ષની બાળકી વીડિયોમાં કહે છે કે, ‘અસ્લલામુ અલૈકુમ મોદી સાહેબ... અમારા શિક્ષક ઝૂમ થકી ખૂબ વધારે હોમવર્ક આપી રહ્યા છે. અમારો ઓનલાઈન કલાસ સવારે ૧૦થી બપોરે બે કલાક સુધી હોય છે. નાના બાળકોને આટલું હોમવર્ક કેમ આપવામાં આવે છે મોદી સાહેબ?’
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વીડિયો ઉપરાજ્યપાલ મનોજ સિંહા સુધી પહોંચ્યો, બાદમાં સિંહાએ ‘ખૂબ પ્રેમભરી ફરિયાદ’ ગણાવીને સ્કૂલના બાળકોને હોમવર્ક ઓછું આપવા માટે શિક્ષણ વિભાગને ૪૮ કલાકની અંદર એક નીતિ બનાવવા આદેશ કર્યો છે.
ઉપરાજ્યપાલ સિંહાએ ટ્વિટર પર કહ્યું કે, બાળપણની નિર્દોષતા ઈશ્વરની ભેટ છે અને બાળપણ સંપૂર્ણ મસ્તીથી ભરેલું હોવું જોઈએ. આ બાબતને ગંભીરતાથી લઈને શિક્ષણ વિભાગે ગાઈડલાઈન્સ જાહેર કરી, જે ઉપરાજ્યપાલે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter