જમ્મુ સ્વતંત્ર રાજ્ય અને કાશ્મીર - લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે?

Sunday 04th August 2019 08:05 EDT
 
 

શ્રીનગરઃ દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વાતો મુજબ મોદી સરકાર જમ્મુ-કાશ્મીર રાજ્યને ત્રણ ભાગમાં વહેંચીને આતંકવાદ અને અલગતાવાદની સમસ્યાને ડામવાની દિશામાં પ્રયત્નશીલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગયા સપ્તાહે જમ્મુ-કાશ્મીરમાં ૧૦ હજાર સૈનિકો વધુ તૈનાત કરવાની જાહેરાત કરી તે સમયે જ રાજ્યમાં કંઈક નવા-જૂની થવાના એંધાણ વ્યક્ત થયા હતા. તો બીજી તરફ, આ જ સમયે રાજ્યસભા અને લોકસભામાં શાસક યુતિ એનડીએના સાંસદો આર્ટિકલ ૩૭૦ અને ૩૫-એ મુદ્દે સતત માગણીઓ કરી રહ્યા હતા. આ બધું દર્શાવે છે કે કાશ્મીરમાં કંઈક ફેરફાર કરવાના સંકેતો મળી રહ્યા હતા.
વળી, સરકારે આતંકવાદીઓ સામે લડત આપવા યુએપીએ બિલમાં સુધારો કર્યો છે. આ બિલથી પણ અલગતાવાદી નેતાઓ સામે વ્યક્તિગત રીતે કાર્યવાહી કરવાનો માર્ગ મોકળો બનશે. તે પછી વિવિધ શક્યતાઓ-અફવાઓ વ્યક્ત થઈ રહી છે.
દિલ્હીના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે સરકાર ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીર રાજ્યને ત્રણ ભાગમાં વહેંચી દેશે. જમ્મુ અલગ રાજ્ય બનશે. જમ્મુમાં પ્રમાણમાં ઘણી શાંતિ રહે છે અને વસતિની દૃષ્ટિએ પણ ઘણું સંતુલન છે. કાશ્મીર ઘાટીમાં સૌથી વધુ આતંકીઓ ત્રાટકે છે. આર્ટિકલ ૩૭૦ અને આર્ટિકલ ૩૫-એની અસર પણ ત્યાં વધુ છે. આ કલમો હેઠળ વિધાનસભાને કાશ્મીરના નાગરિકોના સંદર્ભમાં વિશેષાધિકારો મળે છે. જો વિધાનસભા જ ન હોય તો વિશેષાધિકારો આપોઆપ ખતમ થઈ જાય. મતલબ કે કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની જાય તો ત્યાં રાજ્યની સત્તા પૂરી થઈ જાય. ભારત સરકારનો ત્યાં સીધો જ અંકુશ રહે.
આ જ રીતે લદાખમાં પણ આતંકવાદીઓની સક્રિયતા જોવા મળે છે. લદાખને અલગ કેન્દ્રશાસિત જાહેર કરાય તો ત્યાં પણ વર્ષોથી કનડતી કલમો આપોઆપ બેઅસર થાય તેમ છે. આવી ત્રિવિધ સ્થિતિમાં સરકાર જમ્મુને રાજ્યનો દરજ્જો આપશે અને કાશ્મીર-લદાખને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવશે.
સોશિયલ મીડિયામાં ન્યૂઝ ફ્લેશના નામે પણ આ માહિતી વહેતી થઈ છે. જેના મેસેજમાં જણાવાયું છે કે આ અંગેનો ઓર્ડર આવતા સપ્તાહે જાહેર થશે, એટલે જ કાશ્મીરમાં અત્યારથી અંકુશાત્મક પગલાં લેવાઇ રહ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter