જાણીતા વકીલ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ જેઠમલાણીનું ૯૫ વર્ષે નિધન

Wednesday 11th September 2019 09:24 EDT
 

નવી દિલ્હીઃ દેશનાં જાણીતા વકીલ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ જેઠમલાણીનું માંદગી બાદ રવિવારે સવારે ૯૫ વર્ષની વયે નિધન થયું હતું. રવિવારે સાંજે લોધી રોડ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. ૧૪ સપ્ટેમ્બરે તેમનો જન્મ દિવસ ઊજવવાનો હતો તે પહેલાં જ તેમનું નિધન થયું હતું. છેલ્લા બે અઠવાડિયાથી તેમની તબિયત કથળી હતી અને ગંભીરપણે બીમાર હતા. તેઓ ભાજપની વાજપેયી સરકારમાં કાયદો અને શહેરી વિકાસ પ્રધાન હતા. છેલ્લે તેઓ આરજેડીમાંથી રાજ્યસભાના સભ્ય હતા. ૨૦૧૦માં તેઓ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ હતા. છઠ્ઠી અને સાતમી લોકસભામાં તેઓ ભાજપની ટિકિટ પરથી મુંબઈના સાંસદ ચૂંટાયા હતા. ૨૦૦૪માં તેઓ વાજપેયી સામે લખનઉથી ચૂંટણી લડયા હતા. ૧૩ વર્ષે તેઓ મેટ્રિક પાસ થયા હતા અને ૧૯૧૭માં કાયદાની ડિગ્રી મેળવી હતી. ૧૮ વર્ષની નાની વયે તેઓ વકીલ બન્યા હતા. વડા પ્રધાન મોદી અને ગૃહ, પ્રધાન અમિત શાહ તેમજ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter