ડાંગે માર્યા પાણી છૂટાં ન પડેઃ મોટા ભાઇ મુકેશની સમયસર મદદે અનિલને જેલમાં જતાં બચાવ્યા

Wednesday 20th March 2019 06:41 EDT
 
 

નવી દિલ્હીઃ લાંબા અરસાથી નાણાંભીડનો સામનો કરી રહેલા નાના ભાઇ અનિલ અંબાણીને મદદનો હાથ લંબાવી મોટા ભાઇ મુકેશ અંબાણીએ પુરવાર કરી દીધું છે કે કૌટુંબિક મતભેદો કરતાં લોહીના સંબંધો હંમેશા મુઠ્ઠીઊંચેરા હોય છે. 

નાના ભાઇ અનિલ હસ્તકની રિલાયન્સ કોમ્યુનિકેશને સ્વિડિશ ટેલિકોમ કંપની એરિક્સનને ૫૫૦ કરોડ રૂપિયા ચૂકવવાના હતા. મોટા ભાઇ મુકેશભાઇની મદદથી આ રકમ ચૂકવીને અનિલ અંબાણી જેલમાં જતાં બચી ગયા છે. જો આ ચુકવણી ન થઇ હોત તો અનિલને ત્રણ મહિના જેલમાં જવું પડ્યું હોત. બંને કંપની વચ્ચે વર્ષથી કાનૂની જંગ ચાલતો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ૧૯ માર્ચ સુધીમાં લેણું ચુકવવાનું હતું.

‘ભાઇ-ભાભીનો આભાર’

રિલાયન્સ કોમ્યુનિકેશનના પ્રવક્તાએ સોમવારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એરિક્સનને રૂ. ૫૫૦ કરોડની બાકી રકમ ચૂકવી દેવામાં આવી છે. એરિક્સન કંપનીએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું.
અનિલ અંબાણીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ‘મુશ્કેલીભર્યા સમયમાં મારી પડખે રહેનારા મારા સન્માનીય મોટા ભાઈ મુકેશ અને ભાભી નીતાનો હું દિલથી આભાર માનું છું. આ સંકટની ઘડીમાં મદદ કરીને તેમણે દર્શાવ્યું છે કે પારિવારિક મૂલ્યોનું સચ્ચાઈ સાથે ઊભા રહેવું કેટલું જરૂરી છે. હું અને મારો પરિવાર ખુશ છીએ કે અમે જૂની વાતોથી આગળ નીકળી ગયા છીએ અને મોટા ભાઈના આ પગલાં માટે હંમેશા તેમના આભારી રહીશું.’

કેસ શું હતો?

સ્વિડિશ ટેલિકોમ કંપની એરિક્સને તેના બાકી નાણાંની વસૂલાત માટે રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ) સામે ફોજદારી કેસ કર્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી. કોર્ટે આરકોમને નાણાં ચૂકવી દેવાનો હુકમ કર્યો હતો. અરજીમાં જણાવાયું હતું કે અનિલ અંબાણી જાણી જોઈને બાકી નાણાં ચૂકવતા નથી અને કોર્ટનું અપમાન કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ માન્યું હતું કે રિલાયન્સ ટેલિકોમના અધ્યક્ષ સતીષ સેઠ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલના વડાં છાયા વિરાણી દ્વારા કોર્ટમાં અપાયેલા આશ્વાસન અને તે સંબંધિત આદેશોનું ઉલ્લંઘન થયું છે. આ પછી કોર્ટે કડકાઈ સાથે આરકોમને કહ્યું હતું કે એરિક્સનને બાકી લેણું ચાર સપ્તાહમાં ચૂકવવામાં નહીં આવે તો ચેરમેન અનિલ અંબાણી અને અન્ય બે ટોચના અધિકારીઓને ત્રણ મહિના જેલમાં જવું પડશે.

NCLTએ ૨૫૯ કરોડ નહોતા આપ્યા

આરકોમને આવકવેરા રિફંડ પેટે ૨૫૯ કરોડ રૂપિયા મળ્યા હતા. આ નાણાંનો ઉપયોગ એરિક્સનનું બાકી લેણું ચૂકવવામાં કરવા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ને અપીલ કરાઇ હતી. જોકે એનસીએલટીએ સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયા (એસબીઆઇ)ને આ નાણાં આરકોમના ખાતામાં જમા આપવાનો ઇનકાર કર્યો હતો. એનસીએલટીએ કહ્યું હતું કે કેસ સુપ્રીમ કોર્ટમાં હોવાથી તેઓ આવો કોઈ આદેશ આપી શકે નહીં. આરકોમે તેની આર્થિક મુશ્કેલી જણાવીને એનસીએલટીને અપીલ કરી હતી કે આવકવેરા રિફંડની ૨૫૯ કરોડની રકમ છૂટી કરવા માટે આદેશ કરવામાં આવે. જોકે આ શક્ય ન બનતાં નાના ભાઇ અનિલે છેવટે મદદ મેળવવા મોટા ભાઈ સમક્ષ હાથ લંબાવ્યો હોવાનું મનાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter