દંતેવાડામાં નક્સલી હુમલોઃ ભાજપી ધારાસભ્ય, ૩ જવાન સહિત પાંચનાં મૃત્યુ

Wednesday 10th April 2019 08:26 EDT
 
 

દંતેવાડાઃ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના બે દિવસ પહેલાં મંગળવારે નક્સલીઓએ દંતેવાડામાં એલઈડી બ્લાસ્ટ કર્યો હતો. નક્સલીઓના નિશાને ભાજપના સ્થાનિક ધારાસભ્ય ભીમા મંડાવીનો કાફલો હતો. આ કાફલો મંગળવારે બપોરે નકુલનારથી લગભગ બે કિલોમીટર દૂર શ્યામગીરીથી પસાર થઈ રહ્યો હતો. ડીઆઈજી પી સુંદરરાજે જણાવ્યું કે, બ્લાસ્ટ પછી ધારાસભ્ય ભીમા મંડાવી અને તેમના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમની સુરક્ષામાં તહેનાત ૩ જવાન પણ હુમલામાં શહીદ થયા છે. નક્સલીઓએ બ્લાસ્ટ પછી ફાયરિંગ પણ કર્યું હતું. આ ઘટનામાં ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા.
મંડાવી બુલેટપ્રૂફ ગાડીમાં હતા
હુમલો ત્યારે થયો જ્યારે ધારાસભ્ય મંડાવી ચૂંટણી પ્રચાર કરી પરત ફરી રહ્યાં હતા. નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાને કારણે દંતેવાડામાં ચૂંટણી પ્રચાર બપોરે ૩ વાગ્યે જ પૂરો થઈ ગયો હતો. મંડાવી બુલેટપ્રુફ ગાડીમાં સવાર હતા. તેમના કાફલામાં સુરક્ષા દળની ગાડી પણ હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મંડાવી અને સુરક્ષા દળની ગાડી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.
એકમાત્ર ભાજપના ધારાસભ્ય
મંડાવી બસ્તર સંભાગના એકમાત્ર ભાજપના ધારાસભ્યા હતા. વર્ષ ૨૦૧૮માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બસ્તર સંભાગની ૧૨ સીટમાંથી ભાજપ માત્ર દંતેવાડામાં જીત્યું હતું. અહીં ભીમા મંડાવીએ કોંગ્રેસના દેવતી કર્માને હરાવ્યા હતા. મંડાવી વિધાનસભામાં ભાજપ ધારાસભ્ય દળના ઉપનેતા પણ હતા.

છત્તીસગઢમાં નક્સલી હુમલામાં ૪ જવાન શહીદ

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં પણ નક્સલવાદીઓ અને જવાનોની અથડામણમાં ચોથીએ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના ચાર જવાનો શહીદ થયા હતા અને બે જવાનો ઘાયલ થયા હતા. કાંકેર જિલ્લાના પંખાજૂર વિસ્તારના પરતાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોહલા ગામમાં નક્સલવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળતાં ચોથીએ સવારે ૧૧.૪૫ વાગ્યે બીએસએફની ૧૧૪મી બટાલિયનના જવાનો સર્ચ ઓપરેશન માટે રવાના થયા હતા. જવાનો જ્યારે તપાસ કરી રહ્યા હતા ત્યારે જંગલોમાં છુપાઈને બેસેલા નક્સલવાદીઓએ જવાનો પર એકાએક ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને એમાં ચાર જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ ઈ. રામકૃષ્ણન નામના જવાને ઘટનાસ્થળેજ અંતિમ શ્વાસ લીધા હતા જ્યારે ત્રણ જવાનોના ઉપચાર દરમિયાન મૃત્યુ થયાં હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter