નરેશ ગોયલ વિદેશ જતા પહેલાં રૂ. ૧૮,૦૦૦ કરોડની ગેરંટી આપે: હાઇ કોર્ટ

Thursday 11th July 2019 07:10 EDT
 
 

નવી દિલ્હી: જેટ એરવેઝના સંસ્થાપક અને પૂર્વ ચેરમેન નરેશ ગોયલને વિદેશ જવા માટે દિલ્હી હાઇ કોર્ટમાંથી શરતી પરવાનગી મળી છે એમ કહી શકાય. ગોયલ સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે અને એના વિરોધમાં તેમણે દિલ્હી હાઇ કોર્ટમાં અરજી કરી હતી. નરેશ ગોયલે લુક આઉટ સર્ક્યુલરને રદ કરવાની અપીલ કરી હતી. જોકે આ કેસમાં નવમીએ દિલ્હી હાઇ કોર્ટના જસ્ટિસ સુરેશ કૈતે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં તેમને વચગાળાની રાહત આપી શકાય એમ નથી. જો ગોયલને વિદેશ જવું હોય તો તેમણે રૂ. ૧૮,૦૦૦ કરોડની ગેરંટી આપવી પડશે. તેમને અર્જન્ટમાં વિદેશ પ્રવાસ કરવો હોય તો તેમણે ગેરંટી રૂપે રૂ. ૧૮,૦૦૦ કરોડ જમા કરાવવા પડશે.

નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલ ૨૫મી મેએ મુંબઈ એરપોર્ટથી દુબઈ જવા માટે વિમાનમાં બેઠાં હતાં અને તેમની પાસે ચાર બેગ જેટલો સામાન હતો. જોકે વિમાન ઊપડે એ પહેલાં તેમને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા. ગોયલ તેમની પત્ની સાથે મુંબઈથી દુબઈ અને દુબઈથી લંડન જવાના હતા. જેટ એરવેઝમાં નાણાકીય અનિયમિતતાના મુદ્દે નરેશ ગોયલની સંદિગ્ધ ભૂમિકાને લઈ અનેક એજન્સીઓ આ કેસમાં તપાસ કરી રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter