અમદાવાદ: નવા નાણાકીય વર્ષ 2024-25નો પહેલો દિવસ શેરબજાર તેમજ સોના-ચાંદી બજાર માટે વિક્રમી પુરવાર થયો હતો. નવી ઝડપી લેવાલી પાછળ સોમવારે સેન્સેક્સ અને નિફટી નવી ઓલટાઈમ હાઈસપાટીને સ્પર્શયા હતા. બીજી તરફ અમદાવાદમાં સોનું પણ વધીને રૂ. 71,000ની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ સ્પર્શ્યું હતું. મંગળવારે સોનામાં સુધારો મામૂલી આગળ વધ્યો હતો જ્યારે સેન્સેક્સમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.
લોકસભાની આગામી ચૂંટણી બાદ સ્થિર સરકાર રચાવાની સાથે આર્થિક સુધારાઓ આગળ વધવાના પ્રબળ આશાવાદે સ્થાનિક ફંડો, રોકાણકારો દ્વારા હાથ ધરાયેલી નવી લેવાલી પાછળ સોમવારે બીએસઈ સેન્સેક્સ ઈન્ટ્રાડે વધીને 74254.62 અને એનએસઈ નિફ્ટી 22529.95ની નવી ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શયા હતા. જોકે, ઊંચા મથાળે નફારૂપી વેચવાલીના દબાણે કામકાજના અંતે સેન્સેક્સ ઊંચું મથાળું ગુમાવી 74015ની સપાટીએ મજબૂત રહ્યો હતો. જ્યારે નિફ્ટી 135 પોઈન્ટ વધીને 22462ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
સેન્સેક્સમાં નોંધાયેલા ઉછાળાના પગલે સોમવારે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.18 લાખ કરોડનો વધારો થતાં અંતે રૂ. 393.15 લાખ કરોડ રહી હતી.
સોનાની એક મહિનામાં 10 વાર નવી ટોચ બનાવી
વૈશ્વિક બજારો પાછળ ઘરઆંગણે પણ સોનાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક મહિના દરમિયાન અમદાવાદમાં સોનાના ભાવ 10 વાર વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. ઝવેરીઓના જણાવ્યા પ્રમાણે સોનામાં એક મહિનામાં આટલી વખત ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા હોય તેવું ભાગ્યે જ બન્યું છે. વિતેલા એક મહિનાના આંકડા જોઈએ તો સોનામાં 5 માર્ચે પહેલીવાર સર્વોચ્ચ સપાટી બનાવી હતી અને ત્યાર બાદ લગભગ દર બીજા-ત્રીજા દિવસે ભાવમાં ઐતિહાસિક હાઈ બને છે. એક મહિનામાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ. 6,200નો વધારો થયો છે.