નિર્ભયાના ચારેય ગુનેગારોને ફાંસી યથાવત

Wednesday 11th July 2018 09:36 EDT
 

નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ આરોપીઓ પવન, અક્ષય, વિનય, મુકેશની ફાંસીની સજા યથાવત્ રખાઈ છે. કોર્ટે અગાઉ ફાંસીની સજા ફરમાવી હતી તેવા ચાર આરોપીઓ પૈકી ૩ આરોપીઓએ સુપ્રીમમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી, જેને કોર્ટે સોમવારે ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આર. ભાનુમતી અને જસ્ટિસ અશોકભૂષણની બેન્ચે આ કેસમાં પેરામેડિકલમાં અભ્યાસ કરતી યુવતી પર ચાલુ બસમાં હેવાનિયતભર્યો બળાત્કાર કરીને તેની હત્યા કરનારા ચારેય આરોપીઓની ફાંસીની સજા યથાવત્ રાખતો ચુકાદો આપ્યો હતો. ૨૯ વર્ષના આરોપી મુકેશ, ૨૨ વર્ષના પવન ગુપ્તા અને ૨૩ વર્ષના વિનય શર્માએ સુપ્રીમે અગાઉ ફરમાવેલી ફાંસીની સજા સામે રિવ્યૂ પિટિશન કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે અગાઉ ૪ મેના રોજ રિવ્યૂ પિટિશન પરનો તેનો ચુકાદો આનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે તેના ૨૦૧૭ના ચુકાદામાં દિલ્હી હાઇકોર્ટ અને નીચલી કોર્ટે આપેલા ચુકાદાને બહાલ રાખ્યો હતો અને પવન, અક્ષય, વિનય, મુકેશને ફાંસીની સજા કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter