પ. બંગાળમાં ભાજપ-તૃણમૂલના કાર્યકરો વચ્ચે અથડામણઃ ૮ જણાના મોત

Wednesday 12th June 2019 07:13 EDT
 
 

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેનો વિવાદ વકરતો જાય છે. આઠમીએ નોર્થ ૨૪ પરગણા જિલ્લાના નાઝતમાં તૃણમૂલ અને ભાજપી સમર્થકો વચ્ચેની હિંસામાં બંને પક્ષોનાં મળીને ૮ કાર્યકરોના મોત થયાં હતાં અને સંખ્યાબંધને ઇજાઓ પહોંચી હતી. જોકે વિકળ પરિસ્થિતિ વચ્ચે ૧૧મી જૂને પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કોલકાતાના વિદ્યાસાગર કોલેજમાં સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ૧૪મી મેએ અમિત શાહના રોડ શો દરમિયાન ભાજપ અને તૃણુમૂલ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણમાં મૂર્તિ ખંડિત થઈ હતી. એ પછીથી બંને પક્ષોના કાર્યકરો સામસામે વિદ્યાસાગરજીની મૂર્તિ તોડવાનો આરોપ લગાવી રહ્યા હોવાથી હિંસા વકરતી રહી છે.
બે પ્રતિમાઓનું અનાવરણ
મમતા બેનરજીએ વિદ્યાસાગરની બે પ્રતિમાનું અનાવરણ કર્યું છે. પહેલી પ્રતિમા વિદ્યાસાગર કોલેજના ગેટ પર અને બીજી વિદ્યાસાગર સેતુ પર સ્થાપિત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં સોમવારે વિસ્ફોટમાં બેનાં મોત થયા હતા. જ્યારે ચાર ઘાયલ થયા હતા. જોકે કુલ મૃત્યુઆંક ૮ જેટલો પહોંચ્યો હતો. ભાજપનો દાવો છે કે ‘જયશ્રી રામ’ના નારા લગાવવાથી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમના પક્ષના એક કાર્યકર્તાનું તો ગળું દબાવીને તેની હત્યા કરી હતી. મૃતક સમતુલ ડોલોઈ (ઉં ૪૩)નો મૃતદેહ સોમવારે સર્પોટા ગામના એક ખેતરમાંથી મળ્યો હતો. પોલીસે હાલમાં તેની હત્યાના કારણો અંગે મૌન સેવ્યું છે.
ભાજપના ઝંડા પોસ્ટર ફાડ્યા
નાઝતમાં ભાજપના ઝંડા-પોસ્ટર ફાડવાના મુદ્દે તૃણમૂલ – ભાજપ વચ્ચે અથડામણો થઈ હતી. જેમાં ભાજપના ૫ અને તૃણમૂલ કોંગ્રેસના પણ ૩ કાર્યકરની હત્યા કરાયાના દાવા કરાયા હતા. બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ હિંસાના મુદ્દે રાજ્ય સરકાર પાસેથી ગ્રાઉન્ડ રિપોર્ટ માગ્યો હતો. ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાને મમતા સરકાર પાસેથી હિંસક ઘટનાઓ અંગે અહેવાલ માગ્યો છે. મને વિશ્વાસ છે કે કેન્દ્ર આ હિંસાને ગંભીરતાથી લેશે.
કેન્દ્ર દ્વારા એડવાઇઝરી જારી કરાઈ
કેન્દ્ર સરકારે આ સ્થિતિ માટે એડવાઇઝરી જારી કરીને રાજ્ય સરકારને જણાવ્યું કે દોષિત અધિકારીઓ સામે પગલાં લેવાય. એડવાઇઝરીમાં કહેવાયું કે કાયદો અને વ્યવસ્થા જળવાય એવા તમામ પગલાં લેવાય. કર્તવ્ય પાલન ન કરતા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાય.
પ. બંગાળના રાજ્યપાલ મોદી-શાહને મળ્યા
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચેની હિંસક અથડામણોના માહોલમાં રાજ્યપાલ કેસીનાથ ત્રિપાઠી સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળ્યા હતા. રાજ્યપાલે મોદી અને શાહને રાજ્યની સ્થિતિ અંગે જાણ કરી હતી. ભાજપ પં. બંગાળમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવાની માગણી કરી રહ્યો છે જોકે રાજ્યપાલે કહ્યું કે બેઠકમાં પ. બંગાળમાં રાષ્ટ્રપતિશાસનની શક્યતા અંગે કોઈ ચર્ચા થઈ નહોતી. જોકે સૂત્રોએ કહ્યું કે તેમણે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે પીએમઓને અહેવાલ સોંપ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter