ફિલ્મોને પાઇરસીથી બચાવે છે સ્કૂલ ડ્રોપઆઉટ મનન શાહ

Wednesday 13th March 2019 07:52 EDT
 
 

મુંબઈઃ ફિલ્મઉદ્યોગને પાઇરસીને કારણે કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે ત્યારે મુંબઈનો SSC ડ્રોપઆઉટ ગુજરાતી છોકરો આશાનું કિરણ બનીને ઉભરી રહ્યો છે. ભારત સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત એથિકલ હેકર મનન શાહે અત્યાર સુધીમાં ૧૫ ફિલ્મોને પાઇરસીથી બચાવી છે.
ભારત સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં ફિલ્મોની પાઇરસી (ડુપ્લિકેટ પ્રિન્ટ)ને અટકાવવા એન્ટિટી કેમકોર્ડ રેગ્યુલેશનને સિનેમેટોગ્રાફી એક્ટમાં સમાવ્યો છે. બોલીવુડ ફિલ્મઉદ્યોગમાં એન્ટિ-પાઇરસી ક્ષેત્રે કામ કરતા ભારત સરકાર દ્વારા માન્ય એકમાત્ર સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ તરીકે ઓળખ ઊભી કરનાર મુંબઈનો ૨૫ વર્ષીય મનન શાહ એસએસસી ડ્રોપઆઉટ છે. મનન ફિલ્મ રિલીઝ થતાં પહેલાં તેના ડિજિટલ રાઇટ્સ મેળવી લે છે. ત્યાર બાદ ફિલ્મ રિલીઝના ૨૪ કલાક સુધી મનનની ટીમ દ્વારા ઓનલાઇન મોનિટરિંગ કરાય છે.
મોબાઇલ દ્વારા ફિલ્મનું રેકોર્ડિંગ કરીને એની ડુપ્લિકેટ કોપી તૈયાર કરાય છે એમ જણાવતાં મનન શાહે કહ્યું હતું કે ‘આથી ફિલ્મના ડાયરેક્ટરોને જંગી આર્થિક ફટકો પડે છે. પાઇરસીને સિનેમેટોગ્રાફી એક્ટમાં સમાવ્યા બાદ મેં બોલીવુડ અને ગુજરાતની ૧૫ ફિલ્મોને પાઇરસીથી બચાવી છે. એક ફિલ્મની ૨૦ હજાર જેટલી ડુપ્લિકેટ કોપીઓ અલગ-અલગ વેબસાઇટ પર મૂકાય છે. શક્ય એટલી વેબસાઇટ પરથી જે-તે લિન્કને ૨૪ કલાકમાં ડિએક્ટિવેટ કરી દઈએ છીએ. કેટલાક કિસ્સાઓમાં તો લિન્ક એક્ટિવ થયાની ૩૦ મિનિટમાં જ ડિએક્ટિવેટ કરી દેવાઈ છે.’
મનન કહે છે કે આ માટે અમે સિક્યોરિટી કમાન્ડ સેન્ટર ઊભું કર્યું છે અને જે વ્યક્તિ ફિલ્મની પાઇરસીનો પ્રયત્ન કરે છે તેનું નામ અને વેબસાઇટ ફિલ્મમેકર સુધી પહોંચાડી દેવાય છે. ભારત સરકારનો ટેલિકોમ્યુનિકેશન વિભાગ પણ આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલો હોય છે.’
મનન અને તેની ટીમ યાહુ ઇન્ડિયા, ગૂગલ ઇન્ડિયા, નોકિયા, બ્લેકબેરી, ઇન્ડિયન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, આર્મી, મહારાષ્ટ્ર પોલીસ, ગુજરાત પોલીસ, સીબીઆઇ, બેન્ક ઓફ બરોડા, ઓએનજીસી, આઇસીઆઇસી-આઇ, પેપ્સિકો, ટાટા, રિલાયન્સ, વોડાફોન, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને સાઇબર સિક્યોરિટી પૂરી પાડી છે.

સ્કૂલ ડ્રોપઆઉટ છે મનન

ગૂગલ અને માઇક્રોસોફ્ટ દ્વારા ભારતના ટોપ-પાંચ એથિકર હેકર્સમાં નામ ધરાવતા મનન પાસે કોઈ હાઇપ્રોફાઇલ ડિગ્રી નથી, પરંતુ તે માઇક્રોસોફ્ટ મોસ્ટ વેલ્યુએબલ પ્રોફેશનલ્સ તરીકે પુરસ્કૃત છે. મનન એસએસસી ડ્રોપઆઉટ છે. ૧૭ વર્ષની વયથી મનન કમ્પ્યુટર્સના વિવિધ પ્રોગ્રામ શીખતો રહ્યો છે જેથી તેણે એથિકલ હેકિંગ અને સાઇબર સિક્યોરિટીમાં માસ્ટરી મેળવી લીધી છે.

આ ફિલ્મ બચાવી પાઇરસીથી

મનનની ટીમે જે ફિલ્મોને પાઇરસીથી બચાવી છે તેમાં ઐયારી, ફિર સે, નમસ્તે ઇંગ્લેન્ડ, ધી એક્સિડેન્શિયલ પ્રાઇમ મિનિસ્ટર, બાગી-ટુ, મર્ક્યૂરી, લવયાત્રી, ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ, ટોટલ ધમાલનો સમાવેશ થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter