બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર આકાશના બાળપણની મિત્ર શ્લોકા મહેતા સાથે ભવ્યાતિભવ્ય લગ્ન

Wednesday 13th March 2019 07:22 EDT
 
 

મુંબઈઃ બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલા જીઓ વર્લ્ડ સેન્ટરમાં રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણીના દીકરા આકાશના ઉદ્યોગપતિ રસેશ મહેતાની પુત્રી શ્લોકા સાથેના લગ્નની ત્રણ દિવસ ભવ્યાતિભવ્ય સેરેમની ચાલી હતી. જોકે પ્રિ-વેડિંગ પાર્ટી આશરે એક અઠવાડિયાથી ચાલી રહી હતી. લગ્ન માટે મુકેશ અંબાણીના નિવાસ એન્ટિલિયાને પણ ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. નવમીએ જીઓ વર્લ્ડ સેન્ટરમાં ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવી સજાવટ, આંખો આંજી નાંખતી રોશની અને ફિલ્મ, ક્રિકેટ તથા રાજકારણની દેશી વિદેશી નામી હસ્તીઓ સાથે આકાશની જાન માંડવે પહોંચી હતી. સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે આકાશે શ્લોકા સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં.

આયે હૈ બારાતી

આકાશ અને શ્લોકા નાનપણથી સાથે ભણીને મોટા થયા હતા. મંગળ ચોઘડિયામાં બંને લગ્નગ્રંથિથી જોડાયા ત્યારે દેશ અને દુનિયામાંથી તેમના ઉપર આશીર્વાદ વરસાવવામાં આવ્યા હતા. ટ્રીડન્ટ હોટેલથી વાજતે ગાજતે આકાશની જાન જિયો ગાર્ડન પહોંચી હતી. આ પ્રસંગે વરરાજા આકાશે દાદા ધીરુભાઈ અંબાણીના તૈલચિત્રને પુષ્પહાર ચડાવ્યા હતા અને આશીર્વાદ લીધા હતા. અંબાણી પરિવારના મોંઘેરા મહેમાન તરીકે સંયુક્ત રાષ્ટ્ર સંઘના પૂર્વ સેક્રેટરી જનરલ બાન-કી-મૂન તેમનાં પત્ની યૂ સૂન-તાએક, બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર અને તેમનાં પત્ની ચેરી બ્લેર, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને તેમનાં પત્ની અંજલિ, અમિતાભ બચ્ચન પરિવાર, રજનીકાંત, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને તેમનાં પત્ની અંજલિ, ફિલ્મસ્ટાર શાહરુખ ખાન અને ગૌરી, આમિર ખાન અને તેમનાં પત્ની કિરણ સહિત કોર્પોરેટ વર્લ્ડ, ફિલ્મ જગત, રાજકારણ, સ્પોર્ટસની સંખ્યાબંધ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

શુભમંગળ સાવધાન

મંત્રોચ્ચાર અને પરિવાર – સગા સંબંધીઓ દ્વારા ઘૂંઘરુનાદ વચ્ચે મંગળફેરા થયા હતા અને અંબાણી પરિવારના વડીલ કોકિલાબહેને નવદંપતીને અંતરના ઊંડાણથી આશીર્વાદ આપ્યા હતા. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અને ટીના અંબાણી તેમજ અંબાણી પરિવારના સગાસંબંધીઓ લગ્ન સમારંભમાં મહાલતા જોવા મળ્યા હતા.

લગ્નવિધિ મહેમાનોએ રસપૂર્વક નિહાળી

રવિવારે સવારથી જ અંબાણી પરિવારના શુભ અવસરના ફોટોગ્રાફ્સ અને વીડિયો વાઇરલ થવા લાગ્યા હતા. જેમાં આકાશ અંબાણીનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો તો સાથે જ સપ્તપદીના સાત ફેરા વખતે ઉપસ્થિતોની મજેદાર મોમેન્ટ્સ પણ છવાઈ ગઈ હતી. નીતા અંબાણીએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયેલા પુત્ર-પુત્રવધૂ આકાશ અને શ્લોકાના ઓવારણા લીધાં એ પળ ખૂબ જ વાઈરલ થઈ છે. હિન્દુ સંસ્કૃતિમાં ઓવારણાં લેવાનું ખાસ મહત્ત્વ છે, જે ‘દુઃખણાં લેવા’ તરીકે પણ ઓળખાય છે. પ્રિયજનોને કોઈ અનિષ્ટ ન થાય એ માટે સ્ત્રીઓ વ્હાલી વ્યક્તિઓનાં માથે બે હાથ અડાડીને પોતાના ટચાકા ફોડે છે જેને ઓવારણા લીધા કહેવાય છે. નીતા અંબાણીનાં ઓવારણા બિનગુજરાતીઓમાં ઘણા પ્રચલિત બન્યાં. વરરાજાની બહેન ઈશાએ પણ નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી.

હાથમાં રામણ દીવડો લઈને ઊભેલાં વરમા નીતા અંબાણી કે વરરાજાની પાછળ ઊભાં રહીને તેની લૂણ ઉતારી રહેલી બહેન ઇશા પિરામલને દેશ-વિદેશનાં સેલિબ્રિટી મહેમાનોએ રસપૂર્વક નિહાળી હતી. લગ્નમાં પરંપરાગત ગુજરાતી વિધિઓ મહેમાનોમાં ચર્ચાનો વિષય બની હતી. ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર સામાજિક પ્રસંગોમાં ગુજરાતી પરંપરાને ચુસ્તપણે વળગી રહે છે અને તમામ વિધિઓ ઉત્સાહ અને ઉમંગ સાથે કરે છે. આકાશના લગ્નમાં પણ કેટલાક પરંપરાગત ગુજરાતી રિવાજોને અનુસરવામાં આવ્યા હતા જેને બિનગુજરાતી મહેમાનોએ મન ભરીને માણ્યા હતા.

બહેન ઇશાએ લૂણ ઉતારી

ઈશા આનંદ પિરામલ મીઠાનાં નાના ગાંગડા ભરેલી ટબૂડી વરરાજા આકાશની પીઠ પાછળ અડાડીને ખખડાવતી હતી તે વિધિનું મહેમાનોમાં સૌથી વધુ કુતૂહલ હતું. વરરાજાને કોઈ વિઘ્ન ન નડે તે માટે નાની લોટીમાં લૂણ (નમક)ના ગાંગડા ભરીને તેના માથા પર તથા પીઠ પર ફેરવીને ખખડાવવામાં આવે છે. આ વિધિને લૂણ ઉતારવી કહે છે.

વરમા નીતા અંબાણીનો રામણ દીવડો પ્રચલિત બન્યો

વરમા નીતા અંબાણી હાથમાં રામણ દીવડો લઈને ઊભા હતા અને પૂરા પરિવાર સાથે તેમણે ફોટા પડાવ્યા હતા. રામણ શબ્દનો અર્થ વિઘ્ન થાય છે. વિઘ્નો બાળી નાંખતો દીવો એટલે રામણ દીવડો. ગુજરાતી લગ્નોમાં વરની માતા અથવા જે વરમા હોય તે રામણ દીવડો લઈને ચાલે છે.

મીંઢળનું આકર્ષણ

આકાશ અંબાણીના જમણા હાથ પર બંધાયેલું મીંઢળ સૌના આકર્ષણનું કેન્દ્ર હતું. મીંઢળનું સોપારી જેવડું ફળ લગ્નમાં માણેકસ્તંભ સ્થાપીને તથા વરરાજાના હાથે બાંધવામાં આવે છે. મીંઢળને મદન ફળ પણ કહે છે. લગ્ન લેવાય તે દિવસથી મીંઢળ બંધાય છે જે લગ્ન પછી છોડવાની પ્રથા છે.

મંગળ પર્વનું આયોજન

લગ્નનો પ્રસંગ ઠાઠ-માઠથી સંપન્ન થયા બાદ રવિવારે રાત્રે જિયો વર્લ્ડ સેન્ટર ખાતે જ અંબાણી પરિવાર તથા મહેતા પરિવાર દ્વારા ‘મંગળ પર્વ’નું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ ક્ષેત્રોની સેલિબ્રિટિઝ ઉપસ્થિત રહી હતી.

મુંબઈ પોલીસને મીઠાઈ મોકલી

ઉલ્લેખનીય છે કે આકાશના લગ્ન પહેલાં મુંબઈના ૫૦,૦૦૦ જેટલા પોલીસકર્મીઓને મીઠાઈના બોક્સ મોકલવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આકાશ અંબાણીના ૯ માર્ચે લગ્ન હોવાથી મુંબઈના દરેક પોલીસ સ્ટેશનમાં મીઠાઈના બોક્સ આવ્યા હતા. બોક્સની સાથે એક કાર્ડ પણ છે જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમના સંતાનોનાં નામ અને આશીર્વાદ અને શુભેચ્છા માગતો સંદેશો લખાયેલો છે. વિશ્વના ધનિકોમાં ૧૩મો ક્રમ ધરાવતા ઉદ્યોગપતિ તરફથી આ સારી ચેષ્ટા છે કે તેઓએ તેમનો આનંદ પોલીસકર્મીઓ સાથે વહેંચ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter